બનાસકાંઠામાં વરસાદ અનરાધાર ઃ હજુ ત્રણ દિવસ આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:39:06
  • Views : 1413
  • Modified Date : 2020-09-01 11:39:06

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા છે. ત્યારે રાજસ્થાન અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં સોમવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૭૬.૭૦ ફૂટે પાણીની સપાટી પહોંચી હતી. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
લો પ્રેશર સિસ્ટમના કારણે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પરિણામે લોકો હાલાકીમાં મૂકાયા હતા. જોકે ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી નદીઓમાં પુર આવ્યા છે. જેના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા
દાંતીવાડા ડેમમાં સોમવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં પાણીની સપાટી ૫૭૬.૭૦ ફૂટે પહોંચી છે. અને ડેમમાં ૮૨૨૫ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે સીપુ ડેમની સપાટી ૫૭૪.૭૦ પહોંચી છે. જેમાં પાણીની કોઈ નોંધપાત્ર આવક નથી. બંને ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. જેની વચ્ચે છેલ્લા ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ ધનિયાણા પાસે વહેતી ઉમરદશી નદી, બાલારામ નદી તેમજ હાથીદરા વિસ્તારમાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ઉમરદશી નદીમાં પાણી આવતા આ વિસ્તારમાં આવેલા કુવાઓમાં ભૂગર્ભ જળ ૧૫૦ ફૂટ ઊંડા ગયેલા જે કુવા હવે નદી આવતા રિચાર્જ થશે તેવી આ વિસ્તારના ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. વડગામ તાલુકાના મુકતેશ્વર ડેમમાં પણ
નોંધપાત્ર પાણીની આવક શરૂ થઇ છે. જ્યારે ડીસા, પાલનપુર, દાતા અને કાંકરેજમાં સારો વરસાદ થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે. એકંદરે વાતાવરણમાં પણ મહદઅંશે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News