ધાનેરા ન.પા.ના સફાઇ કામદારોની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 11:04:37
  • Views : 408
  • Modified Date : 2020-02-20 11:04:37

ધાનેરા નગરપાલિકાના સફાઇ કામદારો હડતાલ બેસી ગયા હતા અને ત્રીજા દિવસે તેઓએ હડતાલ યથાવત રાખતા ધાનેરા શહેરમાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી. જયારે બીજી તરફ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર દ્વારા સમાધાન માટેની વાત કરવા છતાં સફાઇ કામદારો પોતાની વાત ઉપર અડગ રહેતા  મામલો થાળે પડ્‌યો ન હતો.
ધાનેરા નગરપાલિકામાં સફાઇ કરતા કામદારો પોતાની માંગણીઓને લઇને અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર બેસી ગયા હતા. ત્રીજા દિવસે પણ તેઓ હડતાલ ઉપર રહેતા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય વધી જવા પામ્યું હતું અને જ્યાં દેખો ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળ્યા હતા. જેના કારણે રસ્તા ઉપર લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યુ છે. જેથી ધાનેરા ચીફ ઓફિસર એસ.એમ.અંસારીએ તાત્કાલિક તમામ સભ્યોની બેઠક બોલાવી હતી અને આ હડતાલ બાબતે ચર્ચાઓ કરી હતી. તેમજ ચીફઓફિસર અને સભ્યો હડતાલ ઉપર બેઠેલા સફાઇ કામદારોને મળવા માટે પહાંચ્યા હતા અને તેઓને જણાવેલ કે સરકારના નિયમો પ્રમાણે જે રોસ્ટર મંજૂર થઇને આવશે તે પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે અને જે સરકારી ધારા ધોરણ છે તે પ્રમાણે તમામ લાભ પણ આપવામાં આવશે. પરંતુ સફાઇ કામદારો ટસના મસ ન થતાં ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને તેમની ટીમે સાથે બેસીને તાત્કાલિક સફાઇ કોન્ટ્રાક આપવા માટે જાહેર નિવિદા આપવા માટે અને થોડા દિવસો માટે બીજી નગરપાલિકાઓ પાસેથી મજુરો લાવીને સફાઇ કરાવવા માટે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ અંગે ધાનેરા ચીફ ઓફિસર એસ.એમ.અંસારીએ જણાવેલ કે સફાઇ કામદારોને સમજાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે. પરંતુ તેઓની તેમને કાયમી કરવા માટેની જીદ છે તે જીદ સરકારના ધારા ધોરણ મુજબ અમે તેમને કાયમી કરી શક્તા નથી. જેથી જો હડતાલ ચાલુ રાખશે તો બીજી ડીસા, થરાદ નગરપાલિકાનો સંપર્ક કર્યો છે અને તેમના સફાઇ કામદારો લાવીને શહેરમાં સફાઇ કરાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News