ગુલામ નબી આઝાદે કહ્યું-ત્રણેય કૃષિ બિલ પરત લેવાં જોઈએ, PM ખુદ એલાન કરે તો સારું થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 13:22:00
  • Views : 246
  • Modified Date : 2021-02-03 13:22:00

        સંસદનું બજેટ સેશન ચાલી રહ્યું છે. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો સમય વધારીને 15 કલાક કરવા અંગે સહમતી થઈ છે. આ દરમિયાન વિપક્ષી દળ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરી શકશે.રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે ખેડૂતોના મામલે કહ્યું છે, ‘ખેડૂત આંદોલનના મામલે અમારા સહયોગી શશિ થરૂર પર દેશદ્રોહનો કેસ કરાયો, પરંતુ હું કહું છું કે દેશની સેવા કરનારાઓ પર દેશદ્રોહનો કેસ ચલાવવો લોકતંત્રની વિરુદ્ધ ગણાશે. વડાપ્રધાનજી, આપની પાસે કોવિડ જેવા મોટા-મોટા મુદ્દા છે ઉકેલવા માટે, સરકાર એના પર ધ્યાન આપે. સરકારે ત્રણેય કૃષિ બિલ પરત લેવાં જોઈએ, વડાપ્રધાન ખુદ આ એલાન કરે તો સારૂં થશે.’

        ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે કાશ્મીરના નાના કર્મચારી બે વર્ષથી ઘરમાં બેઠેલા છે. ટૂરિઝમ સમાપ્ત થઈ ગયું. એજ્યુકેશન સમાપ્ત થઈ ગયું, કેમ કે કોવિડને કારણે સ્કૂલ-કોલેજ બંધ રહી, હજુ પણ બંધ છે. કેટલાંક સ્થળે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. કાશ્મીરમાં તો હજુ પણ 2જી છે. કાશ્મીરમાં રસ્તાઓની હાલત ખરાબ છે. સારી વાત એ છે કે લોકલ બોડી (DDC)ની ચૂંટણી થઈ, પરંતુ વડાપ્રધાનજીને બીજું કંઈ દેખાતું નથી. નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર આપણા માટે ખૂબ જરૂરી છે. આ માટે આપણે યોગ્ય પગલાં લેવા પડશે.

        આ અગાઉ ખેડૂતોના મામલે નારેબાજી અને હંગામો કરવાથી આમ આદમી પાર્ટી (આપ)ના 3 સાંસદોને સભાપતિએ બહાર મોકલી દીધા હતા. આ સાંસદો સંજય સિંહ, સુશીલકુમાર ગુપ્તા અને એનડી ગુપ્તા છે.

        આ અગાઉ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ ગૃહમાં મોબાઈલ ફોનના ઉપયોગ વિશે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું હતું કે કેટલાક સભ્યો પોતાની ચેમ્બરમાં ગૃહની કાર્યવાહીનું મોબાઈલ રેકોર્ડિંગ કરતા જોવા મળ્યા છે. આ સંસદીય મર્યાદાની વિરુદ્ધ છે. આ રીતે બિનઅધિકૃત રીતે ગૃહની કાર્યવાહીને રેકોર્ડ કરવી અને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવું એ ગૃહની અવગણના(કન્ટેમ્પ્ટ)નો મામલો બની શકે છે.મંગળવારે રાજ્યસભામાં વિપક્ષી દળોએ ખેડૂતોના મામલે ચર્ચાની માગ કરીને નારેબાજી કરી હતી, પરંતુ ચર્ચા કરવામાં આવી નહોતી. ત્રણ વખત કાર્યવાહી સ્થગિત થયા પછી બપોરે 12.30 વાગ્યે જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે જય જવાન, જય કિસાનના નારા લગાવાયા હતા. હંગામો વધતો જોઈને રાજ્યસભાની કાર્યવાહી બુધવારે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી.


Download Our B K News Today App



Related News