ગુજરાત યુનિ.માં છ ફેકલ્ટી ડીનની ચૂંટણી 27મી ડિસેમ્બરે યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 18:12:21
  • Views : 367
  • Modified Date : 2019-12-05 18:12:21

ગુજરાત યુનિવર્સિટીએ જુદી જુદી છ ફેકલ્ટીના  ડીનની ચૂંટણી જાહેર કરી દીધી છે. જેમાં  તા.૨૭મી ડિસેમ્બરના રોજ ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે. જેમાં આગામી ૯મી ડિસેમ્બરથી ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. જે દિવસે ચૂંટણી થાય તે જ દિવસે સાંજે ૪ વાગે સેનેટ હોલમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જેમાં લાંબા સમયના વિલંબ બાદ આખરે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં પદવીદાન સમારંભનું આયોજન કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સમારંભમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની કામગીરી જેતે ફેકલ્ટીના ડીન દ્વારા કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીના ડીનની મુદત ત્રણ માસથી વધુ સમય પહેલા પૂર્ણ થઇ ચુકી છે. પરંતુ જે રીતે રજિસ્ટ્રાર, ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ભરવા માટે કામગીરી કરવામાં આવતી નથી તે પ્રમાણે ડીનની ચૂંટણીની પ્રક્રિયા પણ કરવામાં આવી નહોતી. જેમાં નવા ડીનની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કોન્વોકેશનની પ્રક્રિયા કરી શકાય તેમ ન હોવાથી યુનિવર્સિટીએ ડીનની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.  જે પ્રમાણે હાલ કાયદા, મેડિકલ, શિક્ષણ, સાયન્સ, કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીના મતદારો યાદી મંગાવવામાં આવી છે.જેમાં તા.૫મીએ સાંજે ૪ વાગ્યા સુધી મતદાર યાદીમાં સુધારા કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.આમ આગામી તા.૯મીએ ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ કરાશે. જેમાં ભરેલા ઉમેદવારીપત્રો તા.૧૭મી ડિસેમ્બર સાંજે ૪ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. તા.૧૮મીએ સાંજે ૪-૩૦ સુધીમાં ભરીને જે ફોર્મ આવ્યા હોય તેની ચકાસણી કરવામાં આવશે. જો કોઇ ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચવા ઇચ્છતાં હોય તો તેઓ તા.૧૯મીએ સાંજે ૪-૩૦ કલાક સુધી ફોર્મ પાછા ખેંચી શકશે. જેમાં માન્ય થયેલા ઉમેદવારોની યાદી તા.૨૦મીએ જાહેર કરવામાં આવશે. જેના આધારે તા.૨૭મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડીનની ચૂંટણીમાં ૧૦ વર્ષથી વધુ અનુભવ ધરાવતાં સેનેટ સભ્યો આપોઆપ ફેક્લ્ટી મેમ્બર્સ બની જતાં હોય છે. જેમાં ફેકલ્ટી મેમ્બર્સ હોય તે પોતાની ફેકલ્ટીમાં ઉમેદવારી કરી શકે છે. આમ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કુલપતિ, ઉપકુલપતિ અને ફેકલ્ટી ડીન બે વખતથી વધારે ટર્મ દાવેદારી કરી શકતાં નથી. આ સ્થિતિમાં અગાઉ એક વખત ડીન બન્યા હોય તેઓ બીજી વખત દાવેદારી કરી શકે છે. પરંતુ બે વખત ડીન બની ચુક્યા હોય તેઓ દાવેદારી કરી શકતાં નથી. આમ સામાન્ય રીતે ચૂંટણી થાય તે પહેલા દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર પ્રક્રિયા સમયસર કરવાની કવાયત શરૂ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News