સોલાર રૂફટોપ સિસ્ટમમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ સમગ્ર દેશમાં 3088 મેગાવોટ સામે રાજ્યમાં 735 મેગાવોટ પ્લાન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:45:56
  • Views : 383
  • Modified Date : 2020-09-25 14:45:56

    


સમગ્ર દેશમાં સોલાર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 31 ઓગસ્ટની સ્થિતિએ 3088.74 મેગાવોટ છે, જે પૈકી ગુજરાતની સ્થિતિ 735.18 મેગાવોટ (24%) સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. વિધાનસભામાં આજે ટૂંકી મુદ્દતના પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે આ માહિતી આપી હતી. રાજ્યના ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકે સૂર્ય ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી સ્વવપરાશ ઉપરાંતની વધારાની વીજળી વેચી શકે એ માટેની ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાતમાં સરકાર દ્વારા લાગૂ કરાયેલી છે.

લોકોની વધેલી વીજળી સરકાર પ્રતિ યુનિટ 2.25 રૂપિયે ખરીદે છે
આજે વિધાનસભા ખાતે ટૂંકી મુદ્દતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ઘર વપરાશમાં લગાવેલી સોલાર રૂફટોપ સિસ્ટમ થકી ગ્રાહકોના સ્વવપરાશ બાદ વધેલી વીજળી રૂ.2.25 પૈસા પ્રતિ યુનિટ રાજ્ય સરકારને વેચીને આવક મેળવી શકે છે. આ યોજનામાં ૩ કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે ગ્રાહકને 40% સબસીડી તથા ૩ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી આપવામાં આવે છે. સામાન્ય રીતે ૩ કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવામાં રૂ.1,39,017નો ખર્ચ થાય છે. એમાંથી સબસીડી બાદ કરી ગ્રાહકે રૂ.83407 ભરવાના થાય છે.

સોસાયટી કે એસોસિએશનના રૂકટોપ માટે 20 ટકા સબસીડી
તેમણે ઉમેર્યું છે કે, આ યોજના અંતર્ગત ગૃપ હાઉસિંગ સોસાયટી, રેસિડેન્સિયલ વેલફેર એસોસિએશન સોસાયટીની સ્ટ્રીટલાઇટ લાઈટ, વોટર વર્કસ, લિફ્ટ, જીમ, સ્વિમિંગ પુલ ,બગીચો જેવી કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા 20% સબસીડી આપવામાં આવે છે અને 500 કિલોવોટ ક્ષમતાની મર્યાદામાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી શકાય છે.

1,03,554 લોકોના ઘર પર રૂકટોપ સિસ્ટમ
રાજ્યમાં આ યોજના અંતર્ગત નોંધાયેલી કુલ 1,28,646 અરજીઓ પૈકી અત્યાર સુધીમાં 1,03,554 ઘર વપરાશના ગ્રાહકોની છત પર કુલ 389 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ગઈ છે. જે પૈકી 93,282 સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યન્વિત છે. જેની કુલ સ્થાપિત ક્ષમતા 350 મેગાવોટ છે. આગામી 3 વર્ષમાં 1800 મેગાવોટ ઉત્પાદનનો લક્ષ્યાંકઊર્જા મંત્રીએ ઉમેર્યું છે કે, ‘સૂર્ય ગુજરાત’ યોજના અંતર્ગત આવનારા ૩ વર્ષમાં ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના થકી 1800 મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક છે. આ યોજના માટે વર્ષ 2019-20ના બજેટમાં 600 મેગાવોટનો લક્ષ્યાંક માટે રૂ.1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને વર્ષ 2020-21માં પણ 600 મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે અને તે માટે બજેટમાં રૂ.912.29 કરોડની જોગવાઈ કરી છે. આ યોજનાને કારણે સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત ઊર્જા ઉત્પન્ન થશે. વીજ બીલમાં પણ લોકોને રાહત થશે. એટલું જ નહીં પરંતુ ઘર વપરાશના વીજ ગ્રાહકો સ્વવપરાશ ઉપરાંતની વીજળી વેચીને આવક પણ કરી શકશે.

દેશમાં ભારતનો રૂકટોપ સિસ્ટમમાં 24 ટકા હિસ્સો
ઊર્જા મંત્રી પટેલે ઉમેર્યું કે, સોલાર રૂફટોપ સ્થાપિત ક્ષમતામાં ભારતના 3088.74 મેગાવોટના લક્ષ્યાંકમાં ગુજરાતે 31 ઓગસ્ટ 2020 સુધીમાં 735.18 મેગાવોટ સાથે 24% હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. અન્ય રાજ્યોમાં જોઈએ તો રાજસ્થાનનો 12% હિસ્સો મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો 8% હિસ્સો, ઉત્તરપ્રદેશનો 7%, દિલ્હીનો 5% તથા તેલંગાણા, હરિયાણા અને પંજાબનો 4% હિસ્સો છે. રાજ્યના વધુને વધુ ઘર વપરાશના વીજ ગ્રાહકો આ યોજનાનો લાભ લે અને સ્વચ્છ તેમજ પ્રદુષણ મુક્ત ઊર્જાના ઉત્પાદન અને વપરાશમાં સહભાગી બને તે માટે લોકોમાં જનજાગૃતિ લાવવા આગામી સમયમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Download Our B K News Today App



Related News