ગુજરાતમાં 66.44 ટકા વરસાદ, 16 ડેમ છલકાઈ ગયા, ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે 6 વર્ષ બાદ નર્મદાએ 28 ફૂટની સપાટી વટાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:29:52
  • Views : 605
  • Modified Date : 2019-08-10 11:29:52

સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 16 ડેમ પૂરેપૂરો ભરાઈ ગયા છે જ્યારે 12 ડેમ ભરાવાની તૈયારીમાં છે. શુક્રવારે રાજ્યના 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના મહુધામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ સર્વત્ર વરસાદ પડ્યો છે.  ડેડિયાપાડામાં 7, છોટાઉદેપુરમાં 7 જ્યારે પાટણના સરસ્વતીમાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરાઈ છે. 6 વર્ષ બાદ નર્મદાની સપાટી 28 ફૂટ. ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી હતી. નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતાં ભરૂચ કિનારે નર્મદાને 6 વર્ષ બાદ બે કાંઠે અને તેના રૌદ્ર સ્વરૂપમાં જોવાનો લહાવો મળ્યો હતો. નર્મદા ડેમના દરવાજા રાત્રીના 3 કલાકે ખોલવામાં આવતાં નર્મદા નદીનું જળસ્તર ઊંચું આવ્યું હતું. સવારે 7 વાગ્યા બાદ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો. ભરૂચના જૂના તવરા ગામમાં અચાનક નર્મદાના પાણી ઘૂસી જતાં પશુપાલકો ફસાઈ ગયા હતા. તાત્કાલિક હોડીની વ્યવસ્થા કરી પશુઓને હોડીમાં ભરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સાગબારા તાલુકાના કોલવણ ગામ પાસે નાળા પરનો પુલ તૂટી જતાં 50 ગામ સંપર્કવિહોણા બન્યા હતા. કોલવણ ગામ પાસે બનેલો આ બ્રિજ તાપી જિલ્લાને મહારાષ્ટ્ર સાથે જોડતા મુખ્ય માર્ગ પર બનેલો છે. આ બ્રિજ તૂટી જતાં હવે સામે પાર જવા માટે 40થી 50 કિલોમીટરનો ચકરાવો લેવો પડશે. જ્યાં સુધી નાળામાં પાણી ન ઓસરે ત્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તેવી શક્યતા નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી ગયો હોવાથી ડેમમાં 7 લાખ 70 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી સડસડાટ વધવા લાગી હતી. જેના પગલે 11 દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. હારીજમાં શિશુ મંદિર સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં લઈ જવા પડ્યાં હતાં. રામી ડેમ ઓવરફ્લો થતાં છોટાઉદેપુર જિલ્લાના ઝાલાવાંટ ગામના 164 જેટલા ફસાયેલા લોકોનું સ્થળાંતર એન.ડી.આર.એફ.ની ટીમે દિલધડક રેસક્યુ કર્યું હતું. ત્રણ કલાકની જહેમત બાદ તમામને એન.ડી.આર.એફ.ની ટીમે બચાવ્યા હતા. તંત્રની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી.

Download Our B K News Today App



Related News