ગાંજાના વાવેતરમાં ગુજરાત અવ્વલ ? : બાયડમાં 11 ખેતરમાંથી રૂ. 2.27 કરોડના ગાંજાનું વાવેતર કરાયું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 17:47:32
  • Views : 161
  • Modified Date : 2022-10-19 17:47:32

    ખેડા, મહીસાગર અને અરવલ્લી એમ કુલ ત્રણ જિલ્લાની સરહદે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા વાઘવલ્લા ગામેથી મોટા પાયે નશાનો કારોબાર ઝડપાયો છે. પોલીસે બાયડના વાઘવલ્લા ગામેથી 11 ખેતરોમાંથી રૂ. 2.27 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી આ પહેલી ઘટના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ખાનગી બાતમીને આધારે બાયડ પીએસઆઈ દેસાઈ સાહેબ તેમજ અન્ય પોલિસ સ્ટાફ અને અરવલ્લી જિલ્લા એલ સી બી તેમજ જિલ્લા એસઓજી ટીમ સહીત પચાસથી વધુ પોલિસ કર્મચારીઓ દ્વારા મેઘા સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તુવેર અને કપાસની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર થયેલું જાણવા મળતાં ડ્રોન દ્વારા સર્ચ કરતાં ગામમાંથી કુલ 11 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ મેઘા સર્ચ ઓપરેશનમાં જિલ્લા તેમજ અન્ય પોલિસ સહીત ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓની ટીમ દ્વારા બે દિવસ સુધી ગામે સતત વોચ રાખી તેમજ ડ્રોન દ્વારા પરીક્ષણ કરતાં 11 ખેતરોમાંથી 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડનું વાવેતર થયેલું ઝડપાયું હતું.

બાયડના વાઘવલ્લા ગામે વિવિધ ખેતરમાં વાવેલા લીલા ગાંજાના છોડને ઉપાડવા કુલ ચાલીસથી વધુ મજૂરોની મદદ લઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વધુમાં જે તે ખેતરની માલિકી જાણવા માટે રેવન્યુ વિભાગમાંથી તલાટીને પણ ગામમાં બોલાવી મદદ લેવાઈ હતી. જેમાં વાઘવલ્લા ગામે કુલ 8 ખેડૂતો એ પોતાના ખેતરમાં જ ગાંજાની ખેતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેના અનુસંધાને કાયદા વિરુદ્ધ ગાંજાની ખેતી કરનારા 8 લોકો સામે નાર્કો એક્ટ હેઠળ બાયડ પોલિસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત ગાંજાની ખેતી માટે બિયારણ આપનારા એક મહારાજ સામે પણ તહોમતદાર તરીકે ગુનો દાખલ કરાયો છે, જેનું નામ ઠામ જાણવા મળ્યું નથી. ત્યારે ગાંજાની ખેતી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય 6 લોકો અને ગાંજાનું બિયારણ આપનારો મહારાજ પોલિસ પકડથી દૂર છે.

વાઘવલ્લા ગામેથી બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે કુલ 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપ્યા હતા, જેની બજાર કિંમત કુલ રૂપિયા 2 કરોડ 27 લાખ 22 હજાર 360 છે. જે મુદ્દામાલ જપ્ત કરી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, આ સમગ્ર પ્રક્રિયા 24 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.આ અંગે નાયબ પોલીસ અધિક્ષકે વાઘવલ્લા ગામે ગેર કાયદેસર રૂ. 2 કરોડ 27 લાખ 22 હજાર 360 કરોડના ગાંજાનું વાવેતર ઝડપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરીએ બાયડના વાઘવલ્લા ગામેથી SOG, LCB અને બાયડ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન 11 ખેતરમાંથી ગેરકાયદેસર રૂ. 2.27 કરોડના ગાંજાના વાવેતરનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જો કે સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી આ પહેલી ઘટના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 

Download Our B K News Today App



Related News