યુપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે લવ જેહાદનો કાયદો અમલી બનશે, આજે વિધાનસભામાં પસાર થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:21:23
  • Views : 252
  • Modified Date : 2021-04-01 11:21:23

    ગુજરાત સરકાર પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર કરશે. વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસ ગુરુવારે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવશે અને ગુજરાતમાં લવ-જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવશે. આ લવ-જેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવશે.

    આજે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ-જેહાદની પ્રવૃત્તિ રોકવા માટે છે. ઉત્તરપ્રદેશની પેટર્ન મુજબ, લવ-જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને એની જોગવાઈ મુજબ કસૂરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં એટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં એટલો દંડ કરવામાં આવશે.

    લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય એવા કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો બનશે.


Download Our B K News Today App



Related News