વિધાનસભાની પેટાચૂંટણી લડાવી ઝડફિયાને કેબિનેટ મંત્રી પદ આપવા માટે ભાજપના નેતાઓની વ્યૂહરચના, ભાજપમાં આવેલા 4 પૂર્વ MLAની ટિકિટ કપાઈ શકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:36:30
  • Views : 576
  • Modified Date : 2020-10-03 11:36:30

   વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષો એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા આઠ પૂર્વ ધારાસભ્યો પૈકી માત્ર ચાર પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું ભાજપે વચન આપ્યું હોવાથી આ બેઠકો પર કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપશે. પરંતુ સૌથી મોટો ફેરફાર ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે સી. આર.પાટીલ ના નજીકના એવા ગોરધન ઝડફિયાને ટિકિટ આપી ધારાસભ્ય બનાવી મંત્રી પદ સુધી પહોંચાડી દેવામાં આવે તેવી શક્યતા છે

ભાજપ 4 બેઠક માટે નવા ઉમેદવારોની શોધમાં
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારે બન્ને મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું છે. અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, ત્યારે માત્ર ચાર પૂર્વ ધારાસભ્યોને ભાજપના પ્રદેશ નેતાઓએ ટિકીટ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે બીજી ચાર બેઠકો માટે નવા ઉમેદવારોની શોધ ચાલી રહી છે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઇકમાન્ડને ત્રણ નામોની પેનલ આપશે, જેમાંથી ઉમેદવાર પસંદ કરાશે
બીજી તરફ કોંગ્રેસ આઠ બેઠકો પર નવા ઉમેદવારોની શોધમાં છે. નિરીક્ષકોના અહેવાલ પછી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઇકમાન્ડને ત્રણ નામોની પેનલ આપશે. જેમાંથી એક એક ઉમેદવારને પસંદ કરવામાં આવશે. પેટાચૂંટણી 3જી નવેમ્બરે છે પરંતુ ઉમેદવારો ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં જાહેર કરવા પડે તેમ છે.

ભાજપ કોંગ્રેસમાંથી આવેલા આ 4 પૂર્વ ધારાસભ્યની ટિકિટ કાપશે
ભાજપના આઠ સંભવિત ઉમેદવારોમાં મોરબીમાં બ્રિજેશ મેરજા,અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણમાં અક્ષય પટેલ, કપરાડામાં જીતુ ચૌધરી,ધારીમાં ગોરધન ઝડફિયા, જ્યારે લીંબડી બેઠક પર સોમા પટેલને ટિકિટ નહીં મળે અને તેમના બદલે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ગઢડા બેઠક પર પ્રવિણ મારૂ અને ડાંગ બેઠક પર મંગળ ગાવિતને ટિકીટ મળશે નહીં. તેથી ભાજપ અન્ય ઉમેદવારની શોધમાં છે.

કોંગ્રેસમાં 5 બેઠક પર આ નામો ચર્ચામાં
કોંગ્રેસના સંભવિત પાંચ ઉમેદવારોમાં ધારીમાં જેનીબેન વીરજીભાઇ ઠુમ્મર અથવા સુરેશ કોટડિયા, મોરબીમાં જયંતિભાઇ પટેલ-કિશોર ચીખલીયા, લીંબડીમાં કલ્પનાબેન ઢોલીયા-ચેતનભાઇ ખાચર, ગઢડામાં મોહન સોલંકી-મુકેશ શ્રીમાળી, અબડાસામાં વિસનજી પાંચાણી-નવલસિંહ જાડેજાના નામોની ચર્ચા ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News