ઢીમામાં દબાણ મુદ્દે ગ્રામજનોની બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 12:18:39
  • Views : 322
  • Modified Date : 2020-01-09 12:18:39

વાવ તાલુકાના પવિત્ર યાત્રાધામ ઢીમામાં નવીન રોડ માટે દબાણો દૂર કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા ૧૪૭ દબાણદારોને નોટીસો આપી અઠવાડિયામાં જ દબાણ ખુલ્લું કરવાની નોટીસ આપી છે અને આવતા અઠવાડિયામાં ગ્રામપંચાયત દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેવું મીટિંગમાં જણાવ્યું હતું. વધુમાં ગ્રામજનોએ પણ વહીવટી તંત્ર અને ગ્રામપંચાયતની કામગીરીમાં સહયોગ આપવા સહમતી દર્શાવી હતી.
વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વર્ષોની સમસ્યાઓનો અંત આવવા જઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના હાર્દસમા વિસ્તારમાં સતત ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે. જેથી જાહેર રસ્તાઓ પર દબાણો દૂર કરવા ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઢીમા બસસ્ટેન્ડથી ભોરોલ અને બસસ્ટેન્ડ પરથી સપ્રેડા જવાના રસ્તાઓ પર નડતરરૂપ દબાણો તોડી નાખવામાં આવશે અને હાલમાં જે રસ્તો છે તેને ૨૬ ફૂટ પહોળો કરી ડબલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વધુમાં દબાણોની કામગીરીઓમાં ગ્રામજનોને પણ સહયોગ કરવાની અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વર્ષોથી ગામને જોડતો મેઈન રસ્તો બિસ્માર અને સાંકડો હોવાથી શ્રદ્ધાળુઓ સહિત ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. ત્યારે આ રોડ થોડા સમય પહેલાં ગુજરાતનાં ડે. સી.એમ. નીતિનભાઈ પટેલ દ્વારા બજેટમાં મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારે આ રોડ ૩.૫૦૦ કિમીનો છે અને આશરે રૂ ૩.૫૦ કરોડના ખર્ચે બનતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પવિત્ર યાત્રાધામમાં દર પૂનમે મોટો લોકમેળો ભરાય છે. લાખ્ખો શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ રોડ અતિ બિસ્માર અને દબાણમાં હોવાથી વાહનચાલકો અને શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. ત્યારે ચોમાસામાં પણ આ રોડ કાદવ કિચડથી ભરાઈ જતા શ્રદ્ધાળુઓ સહિત રાહદારીઓને પાણીમાંથી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડતું હતું. જેથી નવીન રોડ મંજૂર થતાં શ્રધ્ધાળુઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Download Our B K News Today App



Related News