મેડિકલ ઓફિસરની બદલી મુદ્દે જુનાડીસા આરોગ્ય કેન્દ્રને ગ્રામજનો દ્વારા તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:10:20
  • Views : 412
  • Modified Date : 2019-12-04 11:10:20

ડીસા તાલુકાના જુનાડીસા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને સેવાભાવી મેડિકલ ઓફિસરની આકસ્મિક બદલીથી નારાજ ગ્રામજનોએ કેન્દ્રને તાળાબંધી કરી  વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમ છતાં બદલી રદ નહિ કરાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાને અડીને આવેલા શિક્ષિત જુનાડીસા ગામે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં ૨૪ વર્ષથી ડો.કપૂર જાટ ઉમદા ફરજ બજાવે છે. જનસેવા એજ પ્રભુ સેવાના મંત્રને સાચા અર્થમાં આત્મસાત કરનાર ડો. જાટે સરળ અને નિખાલસ સ્વભાવ તેમજ નિર્વિવાદી વ્યક્તિત્વ થકી જુનાડીસા તથા આજુબાજુના ગામોની જનતાના દિલોમાં સ્થાન જમાવ્યું છે. તેમની કુનેહથી કેન્દ્રમાં સારવારની અવનવી સવલતો મળતા દર્દીઓનો પણ ભારે ઘસારો રહે છે. નિયમિતતા અને દર્દીઓ સાથે સૌજન્યતા તેમના વ્યક્તિત્વનું જમા પાસું છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મસીહા બનેલા આ માનવતાવાદી ડોકટરની જિલ્લા આરોગ્ય વિભાગે અચાનક બદલી કરી દેતા ગામમાં તીખા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. તેથી ગઈકાલે   મંગળવારે આરોગ્ય કેન્દ્ર આગળ સ્વયંભૂ એકઠા થયેલ તમામ સમાજના આગેવાનોએ એકસુરે બદલીને વખોડી કેન્દ્રને તાળાબંધી કરી દીધી હતી અને બદલી બંધ નહી રખાય તો આંદોલન આક્રમક બનાવવાની જાહેરાત કરી હતી.
ગામના અગ્રણી ભીખાભાઇ પઢીયાર અને સરપંચ બબાભાઈ રબારીએ જિલ્લા આરોગ્ય વિભાગના બદલીના નિર્ણયને તઘલઘી ગણાવી કર્મનિષ્ઠ અને ફરજનિષ્ઠ ડોકટરની ગામમાં હજુ ઘણી જરૂર છે તેથી લોક લાગણીને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ તાત્કાલિક અસરથી બદલીનો આદેશ રદ કરે તેવી માંગ કરી અન્યથા ગામલોકો સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
લોક રોષને ધ્યાનમાં લઈ  જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે માનવીય અભિગમ દાખવે તેવો જનમત પ્રવર્તે છે.

Download Our B K News Today App



Related News