સિદ્ધપુરના લુખાસણનાં સ્નાતક ખેડૂત સરગવાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:02:59
  • Views : 260
  • Modified Date : 2021-03-09 11:02:59

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીએ ગ્રેજ્યુએશન કર્યા બાદ પિતા પાસેથી ખેતી શીખી હતી. તેઓએ વર્ષ 2001 માં પ્રથમ વખત સરગવાની અને વર્ષ 2003માં દાડમની ડ્રીપ ઈરીગેશન સાથે ખેતી કરી હતી. છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે સરગવાની ખેતી કરીને લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. સિધ્ધપુરના લુખાસણ ગામના કામરાજભાઈ પોતાનો અનુભવ વર્ણવતાં જણાવે છે કે સરગવાને પાણી ઘણું ઓછું જોઈએ છે.

    જેથી, સૂકું વાતાવરણ સરગવાની ખેતી માટે અનુકૂળ છે. ડ્રીપ ઈરીગેશન દ્વારા સરગવાનો ઉત્તમ પાક લઈ શકાય છે. અત્યારે કામરાજભાઈએ 5 એકર જમીનમાં સરગવાના 2400 છોડ લગાવ્યા છે અને એનું બીજ પણ તેઓએ પોતે તૈયાર કર્યું છે. કામરાજભાઈ સરગવાનું બિયારણ અન્ય ખેડૂતોને પણ આપે છે. સરગવામાં તેઓ છાણિયા ખાતરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. સરગવાની ખેતીમાં ખેડૂતને મળતર સારું છે તેમ જણાવતાં કામરાજભાઈ કહે છે કે તેઓએ વર્ષ 2013-14માં 35 વીઘામાંથી 40 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૂ.5 લાખ જેટલો ખર્ચ થયો હતો.

    જેમાં અંદાજે તેઓએ પ્રત્યેક વીઘાએ એક લાખ રૂપિયાની આવક મેળવી હતી. હાલમાં એમના ખેતરમાં વર્ષ ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં વાવેતર કરેલા છોડમાંથી પણ તેઓએ વીઘાદીઠ લાખ રૂપિયા જેટલી આવક મેળવી છે. કામરાજભાઈ પોતાનો સરગવો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પહોંચાડે છે. જ્યાં તેઓને વેપારીઓ પાસેથી કિલોદીઠ 50 થી 55 રૂપિયા ભાવ મળી રહે છે. કામરાજભાઈએ ખેતી માટે ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો છે. જેમાં ડ્રીપ ઈરીગેશન, સરગવાના છોડ માટે સબસીડી, ટ્રેકટર અને રોટાવેટર જેવા સાધનો માટે સરકાર તરફથી અલગ અલગ સમયે સહાય મેળવી છે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર મહિને આકાશવાણીના માધ્યમથી રાષ્ટ્રના નાગરિકોને ‘મન કી બાત’ દ્વારા વિવિધ વિસ્તારના જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ ધરાવનાર લોકોની વાત કરે છે. તા.28 ફેબ્રુઆરી, 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીનો ઉલ્લેખ સરગવાની ખેતીને લઈને કર્યો હતો.

Download Our B K News Today App



Related News