ચીની ઘુસણખોરી મુદ્દે સરકાર જીદ્દી વલણ અપનાવે છેઃ સોનિયા ગાંધી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-22 17:14:07
  • Views : 239
  • Modified Date : 2022-12-23 16:39:06

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે અરૂણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં તાજેતરમાં ચીન દ્વારા થયેલી ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ચીનના સૈનિકો દ્વારા થયેલી ઘુસણખોરીના મુદ્દે સરકાર જીદ્દી વલણ અપનાવી રહી હોવાથી વાસ્તવિક અકુશ રેખા ઉપર હાલ શું સ્થિતિ છે તે દેશની જનતા અને સંસદ જાણી શકે તેમ નથી.

ચીન સરહદ વિવાદને લઈને બુધવારે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે 12 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. સાંસદોએ માગ કરી હતી કે તવાંગ અથડામણ કેસની સંસદમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યાં હતાં.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ચીન દ્વારા સરહદ પર અતિક્રમણ ગંભીર ચિંતાનો વિષય છે. જનતા અને સંસદ વાસ્તવિક કુશ રેખાની સ્થિતિ જાણવા માટે અસમર્થ છે, પરંતુ સરકાર જીદ્દી છે અને તેના પર ચર્ચા કરવા માગતી નથી.

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તવાંગ અથડામણ મુદ્દે વડાપ્રધાને મૌન સેવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન આ મુદ્દા પર સંસદમાં આવીને જવાબ આપે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે અમે સેનાની ટીકા નથી કરતા. અમે સેનાની સાથે છીએ, પરંતુ સવાલ દેશના રાજકીય નેતૃત્વનો છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે સરકાર સરહદની સ્થિતિ પર ચર્ચા કરે અને દેશના લોકોને વિશ્વાસમાં લે.

Download Our B K News Today App



Related News