બનાસકાંઠામાં સુઇગામના સનાલીપરાની પશુપાલક મહિલાને મંત્રી પુરષોત્તમ રૂપાલાના હસ્તે ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 13:11:20
  • Views : 283
  • Modified Date : 2021-11-30 13:11:20

 

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર એવા સુઈગામ ગામના સનાલીપરા વિસ્તારમાં રહેતી અભણ મહિલા દ્વારા 10 વર્ષ પહેલાં 2 પશુઓથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમાંથી પોતાના ઘરે જ બ્રિડિંગ કરી દેશી ઓલાદની કાંકરેજી ગાયો 6  તથા બન્ની નસ્લની 14 ભેંસો તૈયાર કરતાં તેમને ગોપાલ રત્ન એવોર્ડ તથા રૂ.2 લાખનો ચેક એનાયત કરાયો હતો.

 

સુઈગામ ગામના સનાલીપરા વિસ્તારમાં રહેતા અભણ મોંઘીબેન વર્ધસિંહ રાજપુતએ 10 વર્ષ પહેલાં 1 ગાય અને 1 ભેંસથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમના પતિ વર્ધસિંહ નાગજીજી રાજપુત જેઓ હાલમાં ગુજરાત રાજ્યના પશુપાલન ખાતામાં લાઈવ સ્ટોક ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમના પત્ની મોંઘીબેન દ્વારા પોતાના ઘરે જ બ્રિડિંગ કરી 20 પશુઓ તૈયાર કર્યા છે. જેમાં દેશી ઓલાદની કાંકરેજી 6 ગાયો તથા બન્ની નસ્લ ની 14 ભેંસો  છે. તેઓ હાલમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેઓને બનાસ ડેરી દ્વારા ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા એવોર્ડ મળેલ છે. ત્યારે ભારત સરકારના પશુપાલન ખાતા દ્વારા રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત પશુઓની દેશી ઓલાદોનું સંવર્ધન થાય તે હેતુથી ભારતના જુદા જુદા ઝોન વાઈઝ ગોપાલ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરાઇ છે. જેનો સર્વે ભારત સરકારના પશુપાલન ખાતા દ્વારા તથા NDDB (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ) દ્વારા મોંઘીબેનના પશુપાલનનો પણ સર્વે કરાતા તેમની પસંદગી કરાઇ હતી. જેને લઇ Nddb આણંદ ખાતે 26 નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં પશ્ચિમ ઝોન (રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા) માંથી ગુજરાતના સુઈગામના વતની મોંઘીબેન વર્ધસિંહ રાજપુતની ગોપાલ રત્ન એવોર્ડ માં તૃતીય સ્થાન માટે પસંદગી કરવામાં આવતાં મંત્રી પુરસોત્તમ રૂપાલા દ્વારા ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને રૂ. 2 લાખનો ચેક પણ અપાયો હતો. મોંઘીબેન રાજપુત અભણ હોવા છતાં  બે સમયનું થઇને 120 લીટર દૂધનું ઉત્પાદન મેળવે છે. જેમાં 80 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને અન્ય ઘરે બેઠા વેચાણ કરી મહિને રૂ. 1.50 લાખ કમાય છે. આમ મોંઘીબેન સારી એવી આવક મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

 

Download Our B K News Today App



Related News