ધાનેરાના ફતેપુરા માર્ગ ઉપર ખેતરના ઘાસચારામાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 11:38:22
  • Views : 464
  • Modified Date : 2019-12-05 11:38:22

ધાનેરાથી ફતેપુરા રોડ ઉપર આવેલ મુળાભાઇ ગમનાભાઇ પટેલના ખેતરમાં પડેલ બાજરી તેમજ જવારના ઘાસચારામાં અચાનક આગ લાગી જતાં મોટાભાગનો ઘાસચારો આ આગમાં બળી જવા પામ્યો હતો. જ્યારે પાલિકાના બે ફાયર ફાયટર સમયસર આવી જતાં બાજુમાં પડેલ ઘાસચારો બચી જવા પામ્યો હતો. પરંતુ આ આગમાં બે લાખથી પણ વધારે નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું.
દિવાળી પછી ખેડૂતોને ત્યાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે અને બુધવારે બપોરના સમયે ધાનેરાથી ફતેપુરા રોડ
ઉપર આવેલ પટેલ મુળાભાઇ ગમનાભાઇ રહે. ધાનેરાવાળાના ખેતરમાં પશુઓ માટે  બાજરી તેમજ જુવારના
પુળાઓ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યા હતા. જેમાં અચાનક આગ લાગતા તેની જ્વાળાઓ બહાર આવતા ખેડૂતના પરિવારજનોએ બુમાબુમ કરી હતી. જેથી આજુબાજુના ખેતરોમાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કોશિશ કરી હતી. પરંતુ આગ વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કરતાં ધાનેરા નગરપાલિકાને ફોન કરતાં નગરપાલિકાના સદસ્ય શંકરભાઇ પટેલ પણ બે ફાયરફાયટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરમેનોએ કામગીરી હાથ ધરતાં એક કલાકની જહેમત પછી આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમાં અડધાથી વધારે ઘાસચારો બળી જવા પામ્યો હતો અને લોકો પણ મોટા પ્રમાણમાં આવી જતાં તમામ લોકોએ આ ખેડૂતના બચી ગયેલા ઘાસચારાને બીજે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ વીજ કંપનીમાં ફોન કરતાં તેઓએ પણ માનવતા દાખવીને તાત્કાલિક લાઇટ ચાલુ કરતાં ખેતરમાં બોર દ્વારા પાણીનો પણ મારો ચલાવવામાં આવ્યો હતો.  પરંતુ આ આગમાં બે લાખથી પણ વધારે ઘાસચારો બળી જતાં ખેડૂતના માથે આભ ટુટી પડ્યુ હોય તેવા હાલ થઇ ગયા હતા.   

Download Our B K News Today App



Related News