આર્થિક તંગીનો સામનો કરી રહેલી લાખણીના ગેળાની બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતમાં છોડી મુકાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 11:55:01
  • Views : 371
  • Modified Date : 2020-08-27 11:55:01

સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવતા લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી શ્રી બજરંગ ગૌશાળામાં ઘાસચારાની તંગી ઊભી થતા એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી હતી.
લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળામાં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા એક હજાર જેટલી ગાયોને ગ્રામપંચાયત ભરોસે છોડી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની ગઈ છે. સેવાભાવી સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌશાળાઓને આપવામાં આવતા દાનમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. એવી
પરિસ્થિતિમાં ગૌશાળાઓને સરકાર તરફથી મળતી સહાય બંધ કરી દેવામાં આવતા ગાયોના નિભાવ માટે ફાંફા
પડી રહ્યા છે. જેને લઇ સંચાલકો દ્વારા સરકાર સામે સહાય ચાલુ કરવા ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં સરકારનું પેટમાંથી પાણી હલ્યું નહિ. તો બીજી બાજુ ગૌશાળાની ગાયોને ઘાસચારા માટે તંગી સર્જાઈ છે. આવી
પરિસ્થિતિના કારણે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતના મેદાનમાં છોડી દેવામાં આવી છે. આ બાબતે ગામના સરપંચ  હરજીભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે આ બાબતે તાલુકા અને જિલ્લા મથકે રજૂઆત કરીશું. ત્યારબાદ આ સમસ્યાનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરશું. ઉલ્લેખનીય છે કે આવી
પરિસ્થિતિમાં સરકાર અને સંચાલકોની તાણખેંચ વચ્ચે ગૌમાતા રામ ભરોસે બેઠી છે. ત્યારે સરકાર ગાયોના નિભાવ માટે શું પગલાં લે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલમાં જિલ્લામાં અલગ-અલગ ગૌશાળામાંથી રોજ ગાયોને સરકારી કચેરીઓમાં છોડવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News