ભાજપ પ્રદેશ પ્રમુખના બનાસકાંઠાના આગમન ટાંણે ગૌવંશ બચાવવા બેનર લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 11:01:09
  • Views : 554
  • Modified Date : 2020-09-03 11:01:09

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્ર બાદ ગુરૂવારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. ત્યારે ગૌશાળાઓની આર્થિક કફોડી સ્થિતિને લઈને ગૌશાળાના સંચાલકોએ પ્રદેશ અધ્યક્ષનું ધ્યાન દોરવા માટે સ્વાગતના બેનર નીચે ગૌવંશ તરફથી સ્વાગત છે તેવા બેનર લગાવતા ચર્ચાનો વિષય બની ગયો છે.
બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. જે અંગેની રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજાઈ હતી. પરંતુ હજુ  સુધી સરકારે કોઈ સહાય જાહેર કરી નથી. જેને લઈને ગૌશાળાના સંચાલકોમાં નારાજગી પ્રસરી છે. ત્યાંજ ભાજપના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ૩ સપ્ટેમ્બરે અંબાજી માતાજીના દર્શન કરીને બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારે ડીસા શહેરમાં પણ આવવાના હોઈ તેમના સ્વાગત માટે ઠેર-ઠેર બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરની સાથેજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા બેનર લગાવી સી.આર.પાટીલનું ધ્યાન દોરવા માંગે છે. જેમાં ૭૦ હજાર ગૌવંશ ડીસાની ધરતી ઉપર સી.આર.પાટીલનું સ્વાગત કરે છે. અને અમારા નામે વોટ લીધા તો  અમારી મુલાકાત કરો જેવા બેનરો પણ ઠેર-ઠેર લગાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે ગૌવંશ માટે સહાનુભૂતિ ધરાવતી સરકારે સહાય આપવામાં હજુ સુધી કોઈ નિર્ણય જાહેર ન કરતાં જીવદયા કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે.

સરકારી કચેરીઓમાં પણ બેનર લગાડ્યા
પાંંજરાપોળો અને ગૌશાળાઓને વર્તમાન સમયમાં દાન મળતું બંધ થતાં દેવાદાર સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બે દિવસથી બેનર યુધ્ધ ચાલી રહ્યું છે. જેમાં પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિતની કચેરીઓના દરવાજે બેનર લગાવીને સંચાલકોએ ગાયો માટે સહાયની ગુહાર સાથે સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચારના બેનર લગાવ્યા છે.

Download Our B K News Today App



Related News