વલસાડમાં ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં ગાબડા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 17:41:20
  • Views : 108
  • Modified Date : 2023-06-19 17:41:20

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા નવા બ્રિજના કામમાં વ્યાપક રીતે ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. નવા બ્રિજના કામો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે વલસાડના ઉમરગામના સંજાણમાં બની રહેલો નવો રેલવે ઓવર બ્રિજ પણ વિવાદમાં સપડાયો છે. આ નવા બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. નવા પુલનું ઉદ્ઘાટન પણ બાકી છે. જોકે, ઉદ્ઘાટન પહેલા જ આ નવા બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થતાં જ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એજન્સીએ હાલ બ્રિજને થીગડા મારવાનું શરુ કર્યું છે. જોકે, સ્થાનિક લોકો આ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાની બોલબાલા વચ્ચે વલસાડના સંજાણમાં 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવા રેલવે ઓવરબ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નવા બની રહેલા બ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ પોપડા ખરવાની શરૂઆત થતાં ઉમરગામના સ્થાનિક અગ્રણીઓ સહિત પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર બ્રિજ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના ધ્યાને આવ્યું હતું. સંજાણ રેલવે ક્રોસિંગ પર બનાવવામાં આવેલો આ રેલવે ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની મંગલમ બિલ્ડકોન નામની એજન્સીને આપવામાં આવ્યો છે. રૂપિયા 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ પૂલનું કામ પૂરું થઈ રહ્યું છે. જોકે, હજુ પુલનું ઉદ્ઘાટન બાકી છે. એવા સમયે ઉદ્ઘાટન પહેલા જ બ્રિજના ખરી રહેલા પોપડાઓ આ બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની ચાડી ખાઈ રહ્યા છે. ખરી રહેલા બ્રિજના પોપડાઓને કારણે બ્રિજના કામમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નવા બ્રિજના કામમાં ગેરરીતિ ધ્યાને આવતા લોકોમાં રોષ છે અને આ બ્રિજના કામની ગુણવત્તા તપાસી કસૂરવાર કોન્ટ્રાકટર એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સંજાણ રેલવે ફાટક પર બનાવવામાં આવેલો આ નવો ઓવર બ્રિજ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વનો છે. આ ફાટક પરથી રોજિંદા હજારો લોકો રોજગારી માટે અવરજવર કરે છે. જોકે, તેમ છતાં આ નવો ઓવર બ્રિજ ચાલુ થાય અને ઉદ્ઘાટન કરીને ખુલ્લો મુકાય એ પહેલાં જ રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. બ્રિજના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવતા અને બ્રિજમાંથી પોપડા ખરવાની શરૂઆત થતાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા હજુ આ મામલે તપાસ થાય એ પહેલાં જ ગેરરીતિ છુપાવવા માટે બ્રિજના જે ભાગમાંથી પોપડા ખરી રહ્યા છે અને ગાબડા પડ્યા હતા. તે સાઈડનો આખો સ્લેબ તોડી અને નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર એક જ સ્લેબ તોડી અને  તેને નવો બનાવી રહી છે ત્યારે  1 કિલોમીટરથી વધુ લાંબા આ બ્રિજના અન્ય સ્લેબોની ગુણવત્તા સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે. લોકોમાં તંત્ર સામે વ્યાપક રોષ છે. આથી આ સંજાણ અને આસપાસના વિસ્તાર માટે અતિ મહત્વના રેલવે બ્રિજના કામની ગુણવત્તાની તપાસ કરી સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા બ્રિજો તૂટવાની અને નવા બ્રિજોમાં જ ગાબડા પડવાની ઘટનાઓ વધી રહી છે. અનેક બ્રિજો આ પહેલાં પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે અને બ્રિજોના કામમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. ત્યારે સંજાણનો આ નવો બ્રિજ પણ આવા જ વિવાદમાં સપડાયો છે. 

 

Download Our B K News Today App



Related News