ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં ગંદકી મામલે હંગામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 11:02:47
  • Views : 373
  • Modified Date : 2020-02-19 11:02:47

સ્વચ્છતા અભિયાનની દેશવ્યાપી સફળતાના દાવા વચ્ચે ડીસાનો ગુલબાણીનગર વિસ્તાર આજે પણ ગંદકીથી ગંધાઈ રહ્યો છે. ત્યારે આ મામલે ફરી ગરમાવો સર્જાતા
પાલિકાની ટીમ ગુલબાણીનગર દોડી ગઈ હતી. આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકાની નઘરોળતા પર પસ્તાળ પાડી હતી.
સતાકેન્દ્રોને ઉત્તરદાયી બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની કડકાઈ વચ્ચે પણ ઘણાં સ્થળે યક્ષ પ્રશ્નોના નિરાકરણમાં જે તે સત્તાકેન્દ્રો આંખ મીંચી તમાશો નિહાળતા હોવાના આક્ષેપો પણ થતા રહે છે. ડીસાના ગુલબાનગરને નર્ક નગર બનાવી રહેલી ગંદકીની સમસ્યા સામે વર્ષોથી આંખ આડા કાન કરી રહેલી ડીસા નગરપાલિકા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના દાવાઓ પર ગંદુ પાણી ફેરવી રહી છે. ઊંઘમાં
પણ ગંદા પાણીની દુર્ગંધથી ગુલબાણીનગરમાંથી પસાર થયાની પ્રતીતિ થઈ જાય એટલી હદે આ પ્રશ્ન જટીલ બની ગયો છે. આ મામલે સ્થાનિક રહીશોની પીપુડી કોઈ સાંભળતુ ન હોવાની વાતો હવે નવી રહી નથી. આવી સ્થિતિમાં આ સમસ્યાનો નિકાલ કરવા ગંદા
પાણીના વહેણ માટે નંખાયેલા નાળા ઉખાડવાનું કૃત્ય આચરાતા સ્થાનિક રહીશોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. કેટલાંક શખ્સોએ આ વિસ્તારના એક યુવાન પર હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે. આ બખેડો સર્જાતા સ્થાનિક રહીશોએ ઘટનાસ્થળે દોડી જઇ સ્થાપિત હિતો જ આ વિસ્તારની દુર્દશા માટે જવાબદાર હોવાનો દાવો કરી આ વિસ્તારના
કોર્પોરેટરોની નિષ્ક્રીયતા સામે
પણ રોષ ઠાલવ્યો હતો.
ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં બબાલના અહેવાલોના પગલે ડીસા નગરપાલિકાના ઉત્સાહી મુખ્ય અધિકારી ઉપેન્દ્રભાઈ ગઢવી અને મનોજભાઈ પટેલે ઘટનાસ્થળે દોડી જઇ સ્થાનિક રહીશોની રજૂઆતો સાંભળ્યા બાદ આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપતા મામલો માંડ થાળે પડ્‌યો હતો.
ઉલ્લેખનીય છે કે ડીસાના ગુલબાણીનગરમાં ગંદકીની સમસ્યા હવે બાળપણ વટાવી
પુખ્તતા તરફ પ્રયાણ કરી રહી છે. ત્યારે આ સમસ્યાને હવે
ઢાંકવી જરૂરી હોઈ આ વિસ્તારની ગંદકી ઉલેચી સ્થાનિક રહીશોને સુશાસનનો અહેસાસ કરાવવા માટે પણ સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા તંત્ર પરિણામલક્ષી કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.

Download Our B K News Today App



Related News