માંડલ ખંભલાય માતાજી મંદિરે દર્શન કરવા આવેલા યાત્રિકની ગાડી અગ્નિની જ્વાળાઓમાં લપેટાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:27:06
  • Views : 678
  • Modified Date : 2019-04-21 05:27:06

અમદાવાદ જિલ્લાના માંડલના ચબુતરા ચોક વિસ્તારમાં શનિવારે એક ઈકો ગાડી સળગવાની દુર્ઘટના સર્જાઇ હતી. ગાડીમાં સવાર સુરેન્દ્રનગરનો યાત્રિક પરિવાર સમય સુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદથી ગાડીમાંથી બહાર નીકળી જતા કોઇ જાનહાની સર્જાઇ ન હતી. સુરેન્દ્રનગરનો પરિવાર માંડલ ખંભલાય માતાજીના દર્શનાર્થે આવ્યો હતો. ગાડી ચાલકના જણાવ્યા મુજબ, તેઓ સુરેન્દ્રનગરના વતની છે અને માંડલમાં આવેલ શ્રી ખંભલાય માતાજી તેમના કુળદેવી છે અને તેઓ સુરેન્દ્રનગરથી આખો પરિવાર આ ઈકો ગાડીમાં માંડલ ખંભલાય માતાજીએ દર્શનાર્થે આવ્યા હતા. આ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યો દર્શન કરવા આવ્યા હતા. તેઓ સવારે ૭.૩૦ વાગ્યે માંડલ પહોંચી ગયા હતા અને તેમને માતાજીના પ્રાગટ્ય તળાવ મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીનું માંડલ બજારમાં આવેલ નીજ મંદિરે દર્શન કરી અતિથિ ભુવન ખાતે રેસ્ટ અને પ્રસાદ માટે જઈ રહ્યા હતા. ઈકો ગાડીમાં માંડલના ચબુતરા ચોક ખાતેથી પસાર થઈ રહયા હતા ત્યારે આ ગાડી નીચેથી સળગતું હોય તેમ ગામના અમુક દુકાનદારોને દેખાતાં તે ગાડી ચાલકને કહ્યું તમારી ગાડી નીચેથી સળગી રહી હોય તેમ લાગે છે અને ગામના લોકોએ આ ગાડીમાં બેઠેલ પરિવારને તાત્કાલિક ગાડીમાંથી બહાર આવી જવા કહ્યું હતું. પરિવાર જેવો ઈકો ગાડીમાંથી બહાર ઉતર્યો અને ગાડીના ટાયરે ભડ ભડ આગ પકડી લીધી હતી. આ ઈકો કારમાં પ્રથમ ટાયરો સળગવાના શરૂ થયા અને આજુબાજુના દુકાનદારોએ પાણીની ડોલ ભરી ભરીને ગાડીના નીચેના ભાગે નાંખવાનું શરૂ કરી દીધું પણ ગાડી સીએનજી વાળી હોવાથી ગાડીના એન્જીનને આગ પકડી જતાં પછી તો આખી ગાડી સળગવાની શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાની માંડલ પોલીસને જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ ગાડી સળગતી જોવા માટે ચબુતરા ચોકમાં ૧૦૦૦ થી ૧૫૦૦ માણસોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા.


Download Our B K News Today App



Related News