કોરોના મહામારીના સમયમાં પડતા ઉપર પાટું કેનાલોમાં દસ દિવસમાં ૧૩ વખત ગાબડા પડયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:06:06
  • Views : 318
  • Modified Date : 2020-11-27 11:06:06

નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડતાની સાથે જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી રહી છે. અગાઉ પણ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કેનાલમાં પડતા ગાબડા અટકે તે માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ જ પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે આજે પણ રોજેરોજ કેનાલોમાં ગાબડા પડતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે સરકારે કેનાલ તો બનાવી પરંતુ હવે આ જ કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ સાથે અભિશાપ સમાન પણ બની રહી છે. આ વખતે રવી સીઝનમાં પણ
પાણી છોડતાં રોજેરોજ કેનાલમાં ગાબડા પડી ગયા છે. ગાબડા પડતા જ કેનાલનું
પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ અંગે થરાદના ધારાસભ્ય એ લોકાયુક્ત અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી હોવા છતાં પણ હજુ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી થઇ નથી.
સરહદી વિસ્તારમાં રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે છેલ્લા દસ દિવસથી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ દસ દિવસમાં અત્યાર સુધી ૧૩ કેનાલમાં ગાબડા
પડયા છે. વારંવાર ગાબડા
પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને હાલમાં ગુજરાત અને રાજસ્થાનની નર્મદા વિભાગ દ્વારા ખેતી માટે પાણી આપવામાં આવી રહી છે. જેના કારણે હાલમાં નર્મદા વિભાગની કેનાલ ઓવરફ્લો ચાલી રહી છે.  મેઇન કેનાલ માંથી આજુબાજુની નાની મોટી મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે.  જેના કારણે વધારે
પાણી કેનાલોમાં આવી જતા વારંવાર કેનાલો તૂટી રહી છે. જેથી ખેડૂતોને હાલમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને દર વર્ષે કેનાલો તૂટતા પોતાના
પાકમાં મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે.

Download Our B K News Today App



Related News