હવે સ્મશાનોમાં ચિતાઓ હાઉસફૂલ:વડોદરામાં રોજ 40થી 50 કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર, નવી 35 ચિતાઓ તૈયાર, ખંડેર થયેલુ સ્મશાન ફરી શરૂકરવુ પડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-13 17:43:54
  • Views : 1269
  • Modified Date : 2021-04-13 17:43:54

     વડોદરામાં કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ચિતાઓ પણ ઓછી પડી રહી છે, વડોદરામાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે રોજ 40થી 50 દર્દીઓના અંતિમ સંસ્કાર થાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના છેવાડે જાંબુવા પાસે બંધ પડેલા સ્મશાનને પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. તે સાથે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં નવી 35થી ચિતાઓ તૈયાર કરીને અગ્નિસંસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વડોદરાના છેવાડે આવેલા જાંબુવા ખાતેનું સ્મશાન ખંડેર હાલતમાં થઈ ગયું હતું, પરંતુ, કોરોનામાં વધી રહેલા મૃત્યુને પગલે તંત્રને આ સ્મશાન પુનઃ એકવાર કાર્યરત કરવાની ફરજ પડી છે. કોર્પોરેશનની વિવિધ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે ચાર ચિતાઓ તૈયાર કરવામાં આવી હતી. તે જ રીતે કલાલી ગામના સ્મશાનમાં કાર્યરત બે ચિતા હતી. જેમાં વધારો કરીને વધુ 6 ચિતાઓ તેમજ ખાસવાડી સ્મશાનમાં 6 ચિતાઓ મળીને વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં છેલ્લા ત્રણ દિવસમાં 35 જેટલી નવી ચિતાઓ તૈયાર કરવામાં આવી છે.એવી પણ માહિતી મળી છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી 35 ચીતાઓ તૈયાર કરવા છતાં પણ અગ્નિસંસ્કાર માટે પરિવારજનોને વેઇટિંગમાં રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે પાલિકા દ્વારા હજુ પણ ચિતામાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે વડોદરામાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સરકારી આંકડાઓમાં ભલે 2-3 વ્યક્તિના મોત થયાની વાત કહેવાઇ રહી હોય, પરંતુ, સ્મશાન અને કોવિડ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવેલા મૃતદેહોનું દ્રશ્ય કંઇક અલગ જ કહાની રજૂ કરી રહ્યું છે.હાલમાં વડોદરામાં 24 સ્મશાનોમાંથી માત્ર 10 જ કાર્યરત હોવાથી અન્ય સ્મશાનોમાં કોવિડ દર્દીઓની અંતિમક્રિયા શરૂ કરવા પણ લોક માગ ઉઠી છે, જોકે, તંત્ર દ્વારા વડોદરા શહેરમાં કોરોનામા વધી રહેલા મૃત્યુઆકમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને શહેરના સ્મશાનોમાં નવી ચીતાઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે બતાવી રહ્યું છે કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ કેટલી સ્ફોટક છે.

     વડોદરામાં કોરોનાના ખપ્પરમાં પ્રતિદિન 40થી 50 જેટલા લોકોના મૃત્યુ થતાં હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. હોસ્પિટલની જેમ સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લાઇન લાગી છે. સ્મશાન પણ મડદાઓથી ઊભરાઇ રહ્યાં હોવાથી ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહો ઉપાડવામાં બે કલાકનું વેઇટિંગ શરૂ થયું છે. વડોદરા શહેરમાં કોરોનાની સમયસર સારવાર માટે દર્દીઓ ભટકી રહ્યાં છે.  હોસ્પિટલમાં સબ-સલામતની બૂમો વચ્ચે સરકારી તંત્ર પરથી શહેરનો ચોક્કસ વર્ગનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે. જેના કારણે ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા સંખ્યાબંધ દર્દીઓ આજે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. પરિવારજનો આ દર્દીઓ માટે દવા અને દુઆ બંને કરી રહ્યાં હોવા છતાં અનેક લોકો સારવાર દરમિયાન જીવ ગુમાવી રહ્યાં છે.કોરોનાને કારણે વણસેલી સ્થિતિને પરિણામે હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતી છે. એટલું જ નહીં, મૃતદેહ મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. વડોદરામાં હોસ્પિટલમાં મરણાંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં મૃતદેહો મૂકી રાખવામાં આવે છે.

Download Our B K News Today App



Related News