ગુજરાત ભાજપમાં ફ્રી ફોર ઓલ જેવી સ્થિતિ : જલ્દી પ્રદેશ પ્રમુખ નિમાવવાનો સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-04 17:01:15
  • Views : 42
  • Modified Date : 2025-02-04 17:01:15

ગુજરાતમાં સંગઠન નવરચના અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સહિતના મુદ્દે સર્જાઇ રહેલા એક બાદ એક લેટર કાંડ અને જે રીતે નેતાઓના વિધાનો ધડાધડ આવી રહ્યા છે તેનાથી ભાજપ મોવડી મંડળ સ્તબ્ધ થઇ ગયું છે. ગુજરાતમાં સંગઠન નવરચના વિલંબમાં મુકીને ભાજપ પસ્તાઇ રહ્યું હોય તેવો સંકેત મોવડી મંડળે આપી દીધો છે અને હવે ટુંક સમયમાં જિલ્લા મહાનગરોની રચનાને વિલંબમાં મુકીને પહેલા પ્રદેશ પ્રમુખ અને તેની ટીમ રચી દે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે.

એટલું જ નહીં અગાઉ જે રીતે જ્ઞાતિ-જાતિના સમીકરણો, ઓબીસી કે પછાત વર્ગ અથવા સવર્ણમાંથી કોઇ પ્રદેશ પ્રમુખ આવશે તેવી ચર્ચાના બદલે હવે ગુજરાત ભાજપને કંટ્રોલ કરી શકે તેવા પ્રદેશ માટે પણ મોવડી મંડળ વિચારણા કરી રહ્યું હોવાના સંકેત છે. ખાસ કરીને જે રીતે અમરેલી લેટર કાંડ જેમાં ભાજપ મોવડી મંડળ અને સરકારે ભીનુ સંકેલવા પ્રયત્નો કર્યો હતો.

પરંતુ તે શક્ય બન્યું નથી અને  રાજ્ય સરકારને ખાસ તપાસ ટીમ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના વડા નિર્લેપ્ત રાયના નેતૃત્વ હેઠળ રચવી પડી અને તેનો રીપોર્ટ પણ મુખ્યમંત્રીના ટેબલ પર આવી ગયો હોવાનો સંકેત છે. તે સમયે જ અમરેલીમાં પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીએ નાર્કો ટેસ્ટની માંગણી કરીને હવે જિલ્લામાં અત્યાર સુધી જે બંધ બારણે યુદ્ધ ચાલતું હતું તે ખુલ્લામાં લાવી દીધું છે અને તેમના સમર્થનમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયા આવી ગયા છે.

બીજી તરફ વર્તમાન ભરત સુતરીયા અને ભાજપના દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયાનું ગ્રુપ પણ હવે આક્રમક બને તેવા સંકેત છે. અને સરકારનું કર્યુ કારવ્યું ધુળમાં મળી જાય તેવી શક્યતા છે. બીજી તરફ પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલે જે રીતે ભાજપમાં રાજકીય દલાલી વધી ગઇ છે તેવું જાહેર કરીને નવો ખળભળાટ મચાવી દીધો છે. જો કે નીતિન પટેલ અવાર-નવાર પોતાનો આક્રોશ વ્યકત કરતા રહે છે. પરંતુ હવે સમગ્ર પક્ષને લપેટી લીધો છે એટલું જ નહીં એક બાદ એક લેટર કાંડમાં પણ કેબીનેટ મંત્રીઓ સપડાઇ રહ્યા છે.

આમ ગુજરાત ભાજપમાં હાલ કોઇ અંકુશ ન હોય તેવી સ્થિતિ બની છે અને હજુ ચૂંટણી પરિણામો બાકી છે તેમજ સંગઠન નવરચના તો જિલ્લા અને મહાનગર કક્ષાએ શરુથી શરુ કરવાની છે. તેમાં પણ અંકુશ લગાવવામાં ન આવેત નવો વિખવાદ પેદા થાય તેવી શક્યતા નકારાતી નથી અને આથી જ હવે નવા પ્રમુખની ચર્ચા ફરી એક વખત વેગવાન બની છે.

સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે સી.આર. પાટિલે આવતા જ પોતાની ધાક બનાવી લીધી હતી અને રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ થયું પછી પાટિલ એટલે ગુજરાત ભાજપ અને ગુજરાત ભાજપ એટલે પાટિલ તેવી પરિસ્થિતિ બની ગઇ હતી. અને તેમાં હવે અચાનક જ ભડકો થયો છે અને અત્યાર સુધી જે સી.આર. પાટિલ અને તેની ટીમ તટસ્થ મનાતી હતી તે પણ જુથવાદમાં વ્યસ્ત હોવાનું બહાર આવી ગયું છે.

એટલું જ નહીં તેના કારણે પાટિલ અને તેની આસપાસના  લોકોને ટાર્ગેટ બનાવવાનું શરુ થઇ ગયું છે. તો પાટિલ જુથની આસપાસ મનાતા અનેક કદ રાતોરાત વધી ગયા અને તેઓએ પણ સ્થાનિક ચૂંટણીમાં પક્ષના સ્થાપિત નેતાઓને પડકારવાનું શરુ કરી દીધું છે. આમ હવે ભાજપમાં જુથવાદ સમરસ થઇ ગયો હોય તેવી સ્થિતિ છે અને તેથી જ હવે નવા પ્રમુખની પસંદગી અઘરી બનશે.

ખાસ કરીને જે રીતે હવે જુથવાદ જે અગાઉથી હતો તે ખુલ્લામાં આવવાનું લોહી ચાખી ગયો છે. તેથી તેને પાંજરે કેમ પુરવો તે જ સૌથી મોટો પ્રશ્ર્ન છે અને નવા પ્રમુખને જુના જોગીને પણ જવાબદારી સોંપાય નહીં તો આશ્ચર્ય થશે નહીે પક્ષ એક-એક નામ પર જોખી જોખીને વિચારણા કરી રહ્યું છે. અને અગાઉની જેમ દિલ્હીથી ગુજરાત ભાજપ ચાલે તેવું રહ્યું નથી તે નિશ્ચિત થઇ ગયું છે. 

Download Our B K News Today App



Related News