અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલમાં માત્ર 10 દિવસમાં 15 હજારથી વધુ એડમિશન થયાં, અનેક વાલીઓ બાળકોનાં એડમિશન માટે વેઇટિંગમાં ઊભા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-17 16:42:47
  • Views : 252
  • Modified Date : 2021-06-17 16:42:47

    છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. કોરોનાને કારણે લોકોને માનસિક અને આર્થિક રીતે અસર પહોંચી છે. લોકોના ધંધા-રોજગાર પણ ધીમા પડ્યા છે, જેની સીધી અસર શિક્ષણ પર વર્તાઈ છે. જે વાલીઓ મોંઘી ફી ભરીને ખાનગી સ્કૂલોમાં તેમનાં બાળકોને એડમિશન અપાવતા હતા, આજે તે જ વાલીઓને મોંઘી ફી નહીં પોસાતાં મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા માટે લાઈનમાં ઊભા થયાં છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં 15 હજાર 700 વિદ્યાર્થીનાં એડમિશન થયાં છે.

    કોરોનાને કારણે વાલીઓને આર્થિક ફટકો પડ્યો છે. આવક ઓછી થવાથી વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પોસાય એમ નથી. ગત વર્ષે કોરોનાને કારણે ફીમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉપરાંત સ્કૂલના સંચાલકોએ FRC પાસે ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે, જેને કારણે સ્કૂલની ફીમાં તોતિંગ વધારો થવાની વાલીઓમાં શક્યતાઓ સેવાઈ રહી છે. વાલીઓનું માનવું છે કે મોંઘી ફી આપીને ખાનગી સ્કૂલોમાં બાળકોને ભણાવવા કરતાં સરકારી સ્કૂલોમાં વિનામૂલ્યે બાળકોને એવું જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી હવે વાલીઓ સરકારી સ્કૂલો તરફ વળ્યા છે.

    વાલીઓના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિમાં મોંઘી ફી ભરીને બાળકોને ભણાવવા મુશ્કેલ છે. હાલમાં તમામ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે જે શિક્ષણ ખાનગી શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે એ જ શિક્ષણ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં આપવામાં આવી રહ્યું છે, જેથી હવે કોર્પોરેશનની સ્કૂલો તરફ વાલીઓની મીટ મંડરાયેલી છે. આવક ઓછી થવાને કારણે વધારે ફી ચૂકવી શકાય એમ નથી અને ખાનગી સ્કૂલોમાં વિવિધ પ્રકારની ફી ચૂકવવી પણ મોંઘી પડે છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે અત્યારે કોર્પોરેશનની અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે. ગત વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 18 હજાર 216 વિદ્યાર્થીએ એડમિશન લીધા હતા. ત્યારે આ વર્ષે શરૂઆતના 10 દિવસમાં જ 17 હજાર 500 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. ગત વર્ષે 2થી 8 ધોરણ સુધીમાં ખાનગીમાંથી કોર્પોરેશન સ્કૂલોમાં 3 હજાર 500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વાલીઓ સતત એડમિશન માટે ઈન્કવાયરી કરી રહ્યા છે. જરૂર પ્રમાણે 2 પાલીમાં વર્ગ ચલાવીશું અને શક્ય હોય એટલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીશું.


Download Our B K News Today App



Related News