ઈતિહાસમાં પ્રથમ વખત ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયના મંદિરે બંધ બારણે હોળીનો ઉત્સવ ઉજવાશે, ધજાના દર્શન પણ દુર્લભ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:31:57
  • Views : 286
  • Modified Date : 2021-03-28 11:31:57

    ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે. આશરે બેથી ત્રણ લાખ ભક્તો દર્શન કરવા આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, સાથોસાથ હવે મંદિર ફરતે પતરાં પણ મારી દેવાશે. જેથી ટોળા એકત્ર ન થાય. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ એટલે લોકોત્સવ ગણાય છે. આણંદ, અમદાવાદ, વડોદરાથી લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા ઉમટી પડે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે સ્થિતિ વણસી રહી છે. જેને કારણે ફાગણી પૂનમમાં ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે.

    આમ છતાં પણ પગપાળા સંઘ, ભક્તોનો ધસારો ન થાય તે માટે ફરતે પતરાં મારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આ વખતે ધજાના દર્શન પણ મુશ્કેલ બનશે. જોકે, લાઇવ દર્શન માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારી હાથ ધરી છે. અલબત્ત, ડાકોરના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એમ.જુજાના જણાવ્યાનુસાર, ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં લઇને ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. જોકે, દર્શનાર્થીઓ મંદિર સુધી પહોંચી નહીં શકે અને ધજાના દર્શન પણ કરી નહીં શકે.

    ડાકોરમાં સામાન્ય દિવસોમાં કે રવિવારના દિવસે કે પૂનમના દિવસે જે ભીડ જોવા મળે છે, એનાથી પણ ઓછી અવરજવર ડાકોર નગરમાં પૂનમની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. ગત વર્ષોમાં પૂનમની પૂર્વ સંધ્યાએ ડાકોર નગર યાત્રાળુઓથી અને જયરણછોડના નાદથી ધમધમતું હોય છે, પણ આ વર્ષે માર્ગો પર સામાન્ય ભીડ પણ જોવા મળી રહી નથી.

    પ્રશાસન દ્વારા ડાકોરના ટ્રાફિક સર્કલ, ગાયોના વાડા પાસે અને વેલકમ પાટિયા પાસે ધજા મૂકવા માટેના કાઉન્ટર લગાવવામાં આવશે. જોકે, પૂનમની પૂર્વ સંધ્યા સુધી ક્યાંય કાઉન્ટર મૂકવામાં આવ્યા ન હોવાથી યાત્રાળુઓએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસેની જાળીમાં ધજા અર્પણ કરી હતી. આગામી બે દિવસ સુધી પ્રવેશ દ્વાર પાસે જ સંઘોની ધજા લેવામાં આવશે. ડાકોરમાં પ્રવેશ અપાશે નહી.દરસાલ ફાગણી પૂનમના પર્વે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક ઉપરાંત ખેડા જિલ્લા પોલીસ અને અન્ય જિલ્લાની પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત હોય છે. આ વર્ષે માત્ર સ્થાનિક પોલીસ જ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. યાત્રિકોનો ધસારો ન વધે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News