પ્રથમવાર સરકારી નોકરીઓમાં મહિલાઓને અપાશે 33 ટકા અનામત, કેન્દ્રના કૃષિ કાયદાઓને નિષ્ક્રિય કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:34:32
  • Views : 336
  • Modified Date : 2020-10-15 11:34:32

   પંજાબ કેબિનેટમાં બુધવારે સૌથી મહત્વના નિર્ણયોમાં પ્રથમવાર રાજ્ય સરકારે મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ % અનામત આપવાનું એલાન કર્યું છે. પંજાબ સ્ટેટ સિવિલ સર્વિસિઝમાં સીધી ભરતીમાં મહિલાઓને અનામત મળશે. આ ઉપરાંત રોજગાર પ્લાન ૨૦૨૦-૨૨ દરમિયાન યુવાનોને ૧ લાખ સરકારી નોકરીઓ આપવાને પણ મંજૂરી અપાઈ છે. આ સાથે રિટાયર થઈ રહેલા ડોક્ટરોનો સેવાકાળ પણ ૩૧ ડિસેમ્બર સુધી વધારાયો છે. સરકારના પ્રમાણે, ૧ લાખ સરકારી નોકરીઓ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશનમાં આપવામાં આવશે. આ ભરતીઓને કેન્દ્ર સરકારનું પગારધોરણ અપાશે. ૨૦૨૧ માં સ્વતંત્રતા દિવસે ઉમેદવારોને જોઈનિંગ કરાવાશે. પંજાબમાં કોરોના વાયરસનો સામનો કરવાની વ્યવસ્થા અંતર્ગત રિટાયર થઈ રહેલા ડોક્ટરો તેમજ મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સનો સેવાકાળ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાયો છે. જો કે ડોક્ટરો અને પેરા-મેડિકલની ભરતી પ્રક્રિયા જારી છે.

   પંજાબ સ્ટેટ સિવિલ સર્વિસિઝ બોર્ડ તથા કોર્પોરેશનમાં ગ્રૂપ એ,બી, સી અને ડીના પદ પણ હશે. પંજાબ સિવિલ સેક્રેટેરિએટ રૂલ્સમાં પણ સંશોધન કર્યુ છે. જેના દ્વારા લીગલ ક્લાર્કની ૧૦૦ જગ્યાઓને ભરવામાં આવશે. આ સાથે જ ક્લાર્ક કેડરના દરજ્જા-૪ને ૩માં પ્રમોશન આપવાનો ક્વોટા વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

   સ્કોલરશીપ માટે ઈનકમના ક્રાઈટેરિયાને ૨.૫ લાખથી વધારીને ૪ લાખ રૂપિયા કરાયો છે. પંજાબના ડોમિસાઈલ અને અહીંથી દસમું ધોરણ કરનારા પાત્ર બનશે, જેમાં ચંડીગઢ પણ સામેલ છે. સ્કોલરશીપ પર ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમાં ૧૬૮ કરોડ રૂપિયા સરકારી અને ૪૩૨ કરોડ રૂપિયા ખાનગી સંસ્થાઓનાં બાળકોને મળશે.

   પંજાબ કેબિનેટે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને જમીનનો માલિકી હક આપવા માટે ‘પંજાબ બિલ ડિવેલયરર્સ (પ્રોપરાઈટરી રાઈટ્સ) એક્ટ-2020ના નિયમોને નોટિફિકેશન કરવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી તેમને બુનિયાદી સુવિધાઓ મળી શકશે. લુધિયાણા સહિત અનેક અન્ય શહેરોમાં પ્રવાસી લોકોએ ઝૂંપડપટ્ટીઓ બનાવી છે.

   કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓને પંજાબમાં નિષ્ક્રિય કરવા માટે રાજ્ય સરકારે એક દિવસનું ખાસ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. સી.એમ.એ ૧૯ ઓક્ટોબરે ખાસ સત્ર બોલાવવા અંગે લીલી ઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા હાલના કૃષિ બિલનો પંજાબમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ૧૫મી પંજાબ વિધાનસભાનું ૧૨મું સત્ર ૨૮ સપ્ટેમ્બરે પુરું થયું છે.

Download Our B K News Today App



Related News