અહેમદાબાદ : ઓક્સિજન માટે સ્વજનો દર્દીને લઈને 6 કલાક લાઈનમાં ઉભા રહ્યા, નંબર આવતા હોસ્પિટલના સ્ટાફે કહ્યુ વેઈટિંગ છે હજી વાર લાગશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 17:10:27
  • Views : 263
  • Modified Date : 2021-04-29 17:10:27

    હાઇકોર્ટેના આદેશ બાદ ખાનગી વાહનમાં આવેલ દર્દીઓને હવે તમામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે.અમદાવાદના ગોતા વિસ્તારમાંથી આવેલા એક દર્દી પરોઢિયે સાડા ચાર વાગ્યે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈનમાં ઉભા હતા.તેમનો 65મો નંબર હતો. તેમનું ઓક્સિજન લેવલ 75 હતું. છતાંય તેઓ જીવના જોખમે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળશે તેવી આશા એ 6 કલાક જેટલો સમય લાઈન માં ઉભા રહ્યા. તેમણે બહારથી ઓક્સિજન મળે તે માટે પણ ઘણા પ્રયત્નો કર્યા પણ ઓક્સિજન ન મળ્યો. આખરે દર્દીને 6 કલાક સુધી ગાડીમાં જ નંબર આવે તેની રાહ જોવી પડી હતી.

    આ દર્દીના સગા પ્રશાંતભાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના માતાનું ઓક્સિજન લેવલ 75 થઈ ગયું હતું. તેઓ હોસ્પિટલની બહાર એક કિલો મીટરથી વધારે લાંબી લાઈનમાં ઉભા હતા.તે દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટર આવીને મારી માતાનું ચેકઅપ કર્યું અને ગાડીમાં જ ઈન્જેકશન આપ્યું જેથી તેઓનું ઓક્સિજન લેવલ વધે. આખરે અમારો નંબર આવ્યો તો હવે અહીંના સ્ટાફે કહ્યું કે અંદર વેઈટિંગ છે. અમે તમને કહીશું ત્યારે જ દર્દીને અંદર લઈને આવજો. મેં ડૉક્ટરને કહ્યું કે ઓક્સિજનની વ્યવસ્થા કરાવો તો એમને કહ્યું એ તમારે કરવાની રહેશે. અમે કશું જ કરી શકીએ એમ નથી.

    આવો જ બીજો કિસ્સો 1200 બેડ હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. જેમાં એક પિતા માટે તેમના પુત્રએ 1 કલાકથી બોટલ પકડીને ઉભા રહેવું પડયું હતું. તેમના પિતાને ગાડીમાં ડૉક્ટરે બોટલ ચઢાવી હતી. પિતાનું ઓક્સિજન લેવલ 70 જ હતું. તેઓ પણ ઓક્સિજનની વ્યવસ્થા ન કરી શક્યા. તેમણે પણ ડોક્ટરને ઓક્સિજન માટે ઘણી આજીજી કરી પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનના કારણે કલાકો સુધી તેમનો નંબર આવે એમ ન હતો.

    આ કોરોના સંક્રમિત પિતાના પુત્ર દિપક રાબડીયા વાતચીતમાં જણાવ્યું કે હું દોઢ કલાકથી આ લાઈનમાં ઉભો છું મારા પિતાને તાત્કાલીક ઓક્સિજન મળી રહે તે જરૂરી છે. કારણ કે તેઓનું ઓક્સિજન લેવલ 70 જ છે .અહીયા આવ્યા પછી ડોકટરે મારા પિતાને એક બોટલ ચઢાવી છે. બાકી ઓક્સિજનની વ્યવસ્થા થઈ નથી. તેમને મેં કહ્યું કે આ ગંભીર દર્દી છે તેમને ઓક્સિજન મળે તેમ કરો પણ ડોક્ટરે કોઈ જવાબ આપ્યો નહીં. હજી અમારો નંબર ક્યારે આવે એ ખબર નથી. કારણ કે આગળ પણ ઘણી એમ્બ્યુલન્સ ઉભી છે.


Download Our B K News Today App



Related News