ટ્રેડ શોમાં ઉડતી કાર બની આકર્ષણનું કેન્દ્ર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-11 09:07:43
  • Views : 88
  • Modified Date : 2024-01-11 09:07:43

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાઇ રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં યોજાયેલા આ ટ્રેડ શોમાં એક ઉડતી કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ગાંધીનગરમાં ટ્રેડ શો યોજાઇ રહ્યો છે.જેમાં એક ઉડતી કાર પણ પ્રદર્શિત કરવામાં આવી છે. સુઝુકી અને સ્કાયડ્રાઇવ કંપનીએ બનાવેલી ઉડતી કાર ટ્રેડ શોમાં મૂકાઇ છે. જે તમામ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કાર 1 પાયલોટ સહિત 3 લોકોની ક્ષમતા ધરાવે છે અને 15 કિલોમીટર સુધી ઉડી શકે છે. આ કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિકલાકની છે. ઉડતી કારનું વર્ષ 2019માં ટેસ્ટિંગ પણ કરાયું હતું, ત્યારે ભારતમાં ઉડતી કારને લઇ ભવિષ્યમાં કામગીરી થાય તેવી શક્યતા છે.મહત્વનું છે કે ગાંધીનગરમાં યોજાયેલા ટ્રેડ શોમાં 100 વિઝિટર દેશ, જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે. 5 દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે, તો 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઇ શકશે. ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News