ફટાકડા તો ફૂટશે જ, NGT નહીં પણ ભાજપ શાસિત રાજ્યોમાં પ્રતિબંધથી દબાણમાં આવી રૂપાણી સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 13:02:28
  • Views : 1220
  • Modified Date : 2020-11-08 13:02:28

                     NGT નહીં, ભાજપ શાસિત રાજ્યોમાં પ્રતિબંધથી દબાણમાં આવી રૂપાણી સરકાર રાજસ્થાન, બંગાળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ની નોટિસ છતાં ફટાકડા પર પ્રતિબંધ નહીં મૂકવો એવો નિર્ણય ગુજરાત સરકાર 5 નવેમ્બરે કરી ચૂકી હતી. આ નિર્ણય પાછળ સરકારનો પોતાનો તર્ક હતો.ગુજરાતમાં તહેવારોનું ખાસ મહત્ત્વ છે. કોરોનાને લીધે સરકારે જન્માષ્ટમી, અંબાજી યાત્રા, રાજકોટ મેળો, ગરબા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના લીધે લોકોમાં ઘણી નારાજગી હતી. પણ સોશિયલ ડિસ્ટન્સિંગની અનિવાર્યતાના કારણે લોકો ચૂપ રહ્યા. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની એવી કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી. સાથે જ દિવાળી પછી શરૂ થતા ગુજરાતી નૂતન વર્ષનું પણ આગવું મહત્ત્વ છે. એટલે જ સરકાર ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માગતી નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વાતનો સંકેત આપી ચૂક્યાં હતા કે ફટાકડા પર પ્રતિબંધ મૂકી શકાય એમ નથી. તેના માટે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાનો સંદર્ભ પણ અપાયો હતો. કેબિનેટના સભ્યો પણ સંમત હતા કે રાજ્યમાં ફટકડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં.પણ મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા ભાજપ શાસિત રાજ્યોએ જ્યારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો તો ગુજરાત સરકાર પર દબાણ સર્જાયું. કારણ કે પ્રદૂષણ ગુજરાતમાં પણ ઘણું વધારે હોય છે. આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા થઈ. દિલ્હીથી ગુજરાત સરકારને કહેવામાં આવ્યું કે તે સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકે પણ કેટલીક સખ્તાઈ કરવી જોઈએ. કારણ કે એમ નહીં કરાશે તો પણ ખોટો મેસેજ જશે. એ પછી રાજ્ય સરકારે ગાઇડલાઇન જારી કરી. જેમાં જણાવાયું કે માત્ર વિદેશી ફટાકડા પર પ્રતિબંધ રહેશે. તથા જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.આ દિવાળીએ ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાશે નહીં. રાજ્ય સરકારે શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ફટાકડા ફોડવા અંગે ગાઇડલાઇન જારી કરી છે. જે મુજબ રાજ્યમાં માત્ર વિદેશી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. ગાઇડલાઇન મુજબ રાત્રે દસથી છ વાગ્યા સુધીના સમય દરમિયાન પણ ફટાકડાં નહીં ફોડી શકાય. આ ઉપરાંત કોઇ દુકાનદાર વિદેશી અને ખાસ તો ચાઇનીઝ ફટાકડાંનું વેચાણ સંગ્રહ કે કોઇ વ્યક્તિ તેની ખરીદી કરી શકશે નહીં. રાજ્ય સરકાર પહેલેથી જ લોકો દિવાળી ઉજવી શકે તે માટે ફટાકડાં પર પ્રતિબંધના મતની ન હતી. હવે એ મુજબનું જાહેરનામું બહાર પડાયું છે. જે પ્રતિબંધ છે તે પણ સુપ્રીમના આદેશ બાદ 2018ની સાલથી પ્રવર્તમાન નિયમોનુસાર જ છે. ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે રાજ્ય સરકારે કેન્દ્ર સાથે પરામર્શ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારનો એવો મત હતો કે નવરાત્રિમાં લોકો ગરબા રમી શક્યા નથી એટલે તથા રાજ્યમાં નૂતન વર્ષનું વિશેષ મહત્ત્વ હોવાથી ફટાકડા ફોડવાની શરતી મંજૂરી મળવી જોઈએ. કેન્દ્ર સરકારે કોરોનાના દર્દીઓને તકલીફ થાય નહીં એની તથા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને ફટાકડા ફોડે નહીં તેનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું હતું. કેન્દ્રના નાણાં મંત્રાલય હસ્તકની એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે(DRI) રાજ્ય સરકારને ગત 19 ઓક્ટોબરે પત્ર લખીને જણાવ્યું કે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા વિદેશી ફટાકડાં પર પ્રતિબંધ હોવાથી તેની આયાત, ખરીદી કે વેચાણ ન થાય તે જોવાની જવાબદારી રાજ્યની રહેશે. આ રીતે ચાઇનીઝ ફટાકડા પણ પ્રતિબંધિત બની ગયા હતા.આરએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચે દિવાળી નિમિત્તે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાને અનુચિત ગણાવ્યો છે. આ અંગે તમામ રાજ્ય સરકારોને કહ્યું છે કે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં ન આવે. ફટાકડા અંગેના દુષ્પ્રચારને જૂઠો પ્રચાર ગણાવી સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપી કહ્યું હતું કે સુપ્રીમે ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની તથ્યાત્મક જાણકારી વિના રાજ્ય સરકારો દિવાળી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનું જાહેર કરી રહી છે. મોટાભાગે પ્રદૂષણ ગેરકાયદે રીતે ચીનથી આયાત થતાં ફટાકડાને કારણે થાય છે. ભારતમાં ઉત્પાદિત ગ્રીન ફટાકડાથી પ્રદૂષણને કોઈ જોખમ નથી. સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહસંયોજક અશ્વિન મહાજને કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે, એનજીટીને ગ્રીન ફટાકડા વિશે યોગ્ય જાણકારીથી વાકેફ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આપણે એ ન ભૂલવું જોઈએ કે તમિલનાડુના શિવાકાશી અને પશ્ચિમ બંગાળમાં હજારો લોકો ફટાકડાના ઉદ્યોગમાંથી રોજગાર મેળવે છે. મંચે રાજસ્થાન, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તથા અન્ય રાજ્યોમાં ફટાકડા પરનો પ્રતિબંધ દૂર કરવાની કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી હતી.

Download Our B K News Today App



Related News