વડોદરાના તરસાલી વિસ્તારમાં રેસિડેન્સ કોમ્પલેક્ષની દુકાનમાં આગ, નિંદ્રાધિન લોકો ઉઠીને બહાર દોડી આવ્યા, કોઇ જાનહાનિ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 15:02:08
  • Views : 309
  • Modified Date : 2020-09-25 15:02:08

        વડોદરા શહેરના તરસાલી તળાવ પાસે સાંઇનાથ કોમ્પ્લેક્ષ સ્થિત દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. GIDC ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના બનાવને પગલે કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

AC અને ફર્નિચરનો સામાન બળીને ખાખ થઇ ગયો
વડોદરા શહેરની મકરપુરા GIDCના ફાયર સબ ઓફિસર નિકુંજ આઝાદે આગ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, તરસાલી તળાવની સામે સાંઇનાથ કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં કંપનીઓમાં લેબર સપ્લાય કરતી એજન્સીની ઓફિસ આવેલી છે. આ કોમ્પ્લેક્ષમાં લોકો પણ રહે છે. વહેલી સવારે એજન્સીની ઓફિસમાં એકાએક ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતાં તુરંત જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને પાણીમારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ, આગના કારણે ઓફિસમાં AC અને ફર્નિચરનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું છે.

આગ લાગતા જ કોમ્પ્લેક્ષનો વીજ પુરવઠો બંધ થઇ ગયો
વહેલી સવારે 4 કલાકે એજન્સીની ઓફિસમાં આગ લાગતા જ કોમ્પ્લેક્ષના રહીશો હાંફડાં-ફાંફડા નીચે દોડી આવ્યા હતા. આગ લાગતા જ કોમ્પ્લેક્ષનો વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. મળસ્કે ચાર વાગે આગ લાગી હોવાથી અંધારૂ હોવાથી કોમ્પ્લેક્ષના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કોમ્પ્લેક્ષના લોકો આગના અજવાળે કોમ્પ્લેક્ષ નીચે દોડી આવ્યા હતા. આ સાથે કોમ્પ્લેક્ષની આસપાસ રહેતા લોકો પણ દોડી આવ્યા હતા.

આગ લાગતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા
કોમ્પ્લેક્ષ સ્થિત દુકાનમાં લાગેલી આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આગ ઉપર પાણીમારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે, આગને પગલે કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો નીચે આવી ગયા હતા. મળસ્કે આગ લાગી હોવાથી લોકો નિંદ્રાધિન હતા. આગની જાણ થતાં જ નિંદ્રાધિન લોકો સફાળા પથારીમાંથી ઉભા થઇ દોડી આવ્યા હતા.

સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે મોકડ્રીલ યોજાઇ
ઉલ્લેખનિય છે કે, આજે ફાયર બ્રિગેડ દ્વારા વડોદરાના સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે આગ લાગે ત્યારે સાવચેતી કેવી રીતે રાખવી, ફાયર બ્રિગેડ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે. તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણભટ્ટના માર્ગદર્શન આયોજીત આ મોકડ્રીલ છાણી ટી.પી.-13 ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર ઓમ જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલા મોકડ્રીલે સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં આવેલા મુસાફરોમાં ભારે કૂતુહલ સર્જ્યું હતું.

Download Our B K News Today App



Related News