કોરોના કહેર: બાગ-બગીચા, લેક બંધ, શું હવે સ્કૂલોનો વારો? સ્ટેડિયમમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી, રાત્રિ કર્ફ્યૂમાં 2 કલાકનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 12:31:18
  • Views : 228
  • Modified Date : 2021-03-17 12:31:18

પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો છે અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઇચ્છા ધરાવે છે.

હાલમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે. વાલીઓ પણ સ્થિતિને જોતાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે; ત્યારે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.

છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ફરી કોરોના મહામારી વકરી રહી છે. ખાસ કરીને સુરત તેમજ અમદાવાદમાં કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એને જોતાં ગઈકાલે સરકારે રાજ્યનાં 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા વધારી દીધી છે, સાથે જ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મેચ રમાશે તેમજ બાગ-બગીચા તેમજ કાંકરિયા સહિતનાં લેક બંધ કરાવાયાં છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતાં આગામી સમયમાં પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પણ બંધ થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આજથી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે, સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદા પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની છે, સાથે જ તંત્ર તેમજ જનતાની બેદરકારીને પગલે પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીસ્ટેડિયમમાં 70 હજારથી વધુ પ્રેક્ષકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને કારણે દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી ક્રિકેટ ફેન મોટી સંખ્યામાં અમદાવાદ આવ્યા હતા, જેને કારણે સંક્રમણનો ભય વધી રહ્યો હતો. જોકે અંતે સરકારે હવે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર જ મેચ રમાશે એવો નિર્ણય લીધો છે, સાથે જ હવે જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જે વ્યક્તિ નિયમનો ભંગ કરશે તેને રૂપિયા 1000 સુધીનો દંડ પણ કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News