એક સમયે દિલ્હી પોલીસમાં હતા, 44 વખત જઈ આવ્યા છે જેલ: કરોડોની સંપત્તિના છે માલિક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 15:20:38
  • Views : 398
  • Modified Date : 2021-01-29 15:20:38

    પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા પછી પોલીસ દિલ્હી બોર્ડર ખાલી કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. પ્રશાસનના કડક વલણ પછી ગાઝીપુર બોર્ડર પર ત્રણ કંપની- CAPF, 6 કંપની PAC અને 1000 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની જીદ છે કે જો કાયદો પરત લેવામાં નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે, પરંતુ આંદોલન સમાપ્ત નહીં કરે.

    એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન તેમનો રડતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો પશ્ચિમી ઉત્તર ભારત સહિત ઘણા જિલ્લાઓમાં વાઈરલ થઈ ગયા પછી ખેડૂતોએ તેમને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. મોડી રાતે જ યુપીના ઘણા જિલ્લાના ખેડૂતો ગાઝીપુર બોર્ડર પહોંચી ગયા છે. લાલકિલ્લા પછી ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે એવી શક્યતાઓ વચ્ચે રાકેશ ટિકૈત એમાં યુ-ટર્ન લઈ આવ્યા છે. તો આવો, જાણીએ કે રાકેશ ટિકૈત કોણ છે અને તેઓ કેવી રીતે ખેડૂતો સાથે જોડાયા....

    રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંહ ટિકૈત પણ ખેડૂતનેતા જ હતા. આ પરિવાર ઘણા દશકાઓથી ખેડૂતોના હકની લડાઈ લડતા રહ્યા છે. માનવામાં આવે છે કે ખેડૂતોના અધિકારની લડાઈમાં અગ્રેસર રહેનાર ટિકૈત અત્યારસુધીમાં 44 વખત જેલ જઈ આવ્યા છે. મધ્યપ્રદેશના ભૂમિ અધિકરણ કાયદા વિરોધમાં પણ આંદોલન સમયે રાકેશ ટિકૈત 39 દિવસ જેલમાં રહ્યા હતા. એ ઉપરાંત ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ વધારે મળે એ માટે તેમણે સંસદભવન બહાર વિરોધપ્રદર્શન કર્યા હતા અને એને કારણે પણ તેમને તિહાર જેલ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય પણ રાકેશ ટિકૈત ખેડૂતોની માગ માટે ધરણાં-આંદોલન કરતા રહ્યા છે.

    રાકેશ ટિકૈતની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેઓ ત્રણ બાળકોના પિતા છે. રાકેશ ટિકૈતના લગ્ન 1985માં બાગપત જિલ્લાના દાદરી ગામના બલજોરી દેવી સાથે થયા હતા. તેમને એક દીકરો અને બે દીકરી છે. રાકેશ ટિકૈતે મેરઠ યુનિવર્સિટીમાંથી એમએનો અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી તેમણે એલએલબીની ડીગ્રી પણ લીધી છે.

    રાકેશ ટિકૈતે પહેલીવાર વર્ષ 2007માં મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમાં તેમની હાર થઈ હતી. ત્યાર પછી 2014માં અમરોહા સીટથી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અતીજ સિંહ સામે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં પણ તેમને જીત મળી ન હતી.

    રાકેશ ટિકૈત 1992માં કોન્સ્ટેબલના પદ પર નોકરી કરતા હતા. પિતાનો રાકેશ પર ઘણો પ્રભાવ હતો. 1993-94માં લાલકિલ્લા પર પિતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં રાકેશે પણ ભાગ લીધો હતો. જ્યારે સરકારે આંદોલન સમાપ્ત કરવા માટે દબાણ કર્યું તો તેમણે કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી અને ખેડૂતોના પક્ષમાં ઊભા રહી ગયા. પિતા મહેન્દ્ર ટિકૈતનું મોત કેન્સરને કારણે થયું હતું.પિતા મહેન્દ્ર સિંહ ટિકૈતના મોત પછી તેમના મોટા દીકરા નરેશ ટિકૈતને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એનું કારણ એ હતું કે બાલિયાન ખાપ પંચાયતના નિયમ પ્રમાણે- મોટા દીકરાને મુખી બનાવવામાં આવે છે. આ સંજોગોમાં નરેશને અઘ્યક્ષ બનાવવામાં આવ્યા, પરંતુ કિસાન યુનિયનની હકીકતમાં કમાન રાકેશના હાથમાં જ હતી. મહત્ત્વના નિર્ણયો રાકેશ જ લેતા હતા. નરેશ ટિકૈત અધ્યક્ષ છે, જ્યારે રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા છે.

    વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં રાકેશ ટિકૈત દ્વારા ભરવામાં આવેલા શપથપત્ર પ્રમાણે તેમની સંપત્તિની કિંમત 4 કરોડ 25 લાખ 18 હજાર 038 (4,25,18,038 રૂપિયા) હતી. આ સિવાય રાકેશ ટિકૈતે શપથપત્રમાં જણાવ્યા પ્રમાણે, એ સમયે તેમની પાસે રૂ. 10 લાખ રોકડ હતી.

    ભારતીય કિસાન યુનિયનનો પાયો 1987માં મૂકવામાં આવ્યો હતો. ત્યારે વીજળીના ભાવ વિશે ખેડૂતોના શામલી જનપદના કરમુખેડીમાં મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં એક મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. એમાં બે ખેડૂત જયપાલ અને અકબરને પોલીસની ગોળી વાગવાના કારણે મોત થયાં હતાં. ત્યાર પછી જ ભારતીય કિસાન યુનિયન બનાવવામાં આવ્યું હતું અને અધ્યક્ષ મહેન્દ્ર સિંહ ટિકૈત બન્યા. ત્યાર પછી મહેન્દ્ર ટિકૈત આખું જીવન ખેડૂતોના હકમાં લડાઈ લડતા રહ્યા અને તેમની છબી ખેડૂતોના મસીહા તરીકે સામે આવી.


Download Our B K News Today App



Related News