વડોદરામાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી, ઓક્સિજનની પાઇપો તોડી નાખી, તબીબોની નિષ્કાળજીને કારણે મૃત્યુનો આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 15:27:22
  • Views : 344
  • Modified Date : 2021-04-05 15:27:22

    વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકીને ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પરિવરજનોએ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો હતો.

    સિદ્ધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડો. જયેશભાઇ રાજપુરાએ જણાવ્યું હતું કે, 31 માર્ચે ગંભીર હાલતમાં દર્દીને લાવવામાં આવ્યા હતા. તે દિવસે તેઓનું ઓક્સિજન લેવલ માત્ર 35 ટકા હતું. તેઓના પરિવારને જાણ કરી આઇસીયુમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને 1 એપ્રિલે કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો અમારી પાસે પુરાવો છે. કોરોનાની સાથે તેમને નીમોનિયા પણ હતો. જેથી તેઓની તુરંત જ સારવાર શરૂ કરી દીધી હતી. પ્રથમ દિવસે ડિપોઝિટ ભર્યાં બાદ અમે નાણાંની માગણી કરી નહોતી. ગઇકાલે દર્દીને 40 હજારની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે પરિવારને પૂછ્યું હતું. પણ અમે જબરદસ્તી કરી નહોતી. અમે સારામાં સારી સારવાર આપવાનો પ્રયાસ કર્યો છે. અમારા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ખોટા છે.

    વડોદરાના પાણીગેટ જુનીગઢીમાં રહેતા હર્ષિદાબેન જીતેન્દ્રભાઇ સોલંકી(ઉં.35)ને 31 માર્ચના રોજ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદાબેનનું મોત થયું હોવાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.


    દાંડિયા બજાર ખાતે આવેલ સિદ્ધિ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીનું મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતની ટોળાએ તોડફોડ કરી હતી. 30થી 40 જેટલા લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડના પગલે હોસ્પિટલના તબીબો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં કોરોનામા સારવાર લઈ રહેલા તેમજ અન્ય બીમારીઓના દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

    મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે એસીપી મેઘા તેવાર પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

    હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલા હર્ષિદાબેન સોલંકીના પતિ જીતેન્દ્ર સોલંકીએ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા માત્રને માત્ર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી, પરંતુ, મારી પત્નીને કોરોના છે કે, નહીં તેવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મારી પત્નીને છાતીમાં દુખાવો થતો હતો. જેથી 31 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી પત્નીની તબિયત સારી હતી. રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અમોને જાણ કરવામાં આવી કે, હર્ષિદાબેન હવે રહ્યા નથી. તુરંત જ અમે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

    વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી પત્નીનું એકાએક મોત કેવી રીતે થયું. તે સવાલ છે. અમે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે રૂપિયા એક લાખ ડિપોઝીટ તરીકે ભરી દીધા હતા. અમારી પાસે રૂપિયા 40 હજારનું ઈંજેક્શન મારવાનું હોવાનું પણ જણાવ્યું હતું. જે અંગે પણ નાણાંની માગણી કરવામાં આવી હતી. ઇન્જેક્શન કયા કારણોસર મારવાનું હતું. તે અંગે જાણ કરવામાં આવી ન હતી. મારી પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું છે.

    મોડી રાત્રે બનેલા બનાવને પગલે હોસ્પિટલ ખાતે દોડી ગયેલા એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીનું મોત કેવી રીતે થયું તે તપાસનો વિષય છે. પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતકને કોરોના હતો કે નહીં તે અંગેની કોઇ જાણ કરવામાં આવી નથી., તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં તોડફોડ દરમિયાન ઓક્સિજનની પાઇપ તૂટી ગઈ હતી. જે તુરંત જ રિપેર કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દી તારીખ 1 એપ્રિલ સુધી સાદા વોર્ડમાં હતા. ત્યાર બાદ તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જરૂર પડશે તો પેનલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવશે.

    એ.સી.પી. મેઘા તેવારે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ દાખલ કરીને ન્યાયિક તપાસ કરવામાં આવશે. હાલ અમારુ કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનુ છે.


Download Our B K News Today App



Related News