ડીસાવાસીઓ આજે રૂ.૨૦ લાખના ફાફડા-જલેબીની જયાફત માણશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:04:58
  • Views : 537
  • Modified Date : 2020-10-25 12:04:58

દેશભરમાં આજે વિજયાદશમી પર્વની ઉજવણી થશે. પરંતુ કોરોના કાળને લઈને જાહેરમાં કોઈ કાર્યક્રમ નહીં યોજાય. દશેરા એટલે અસત્ય ઉપર સત્યનો વિજય. દશેરાના દિવસે સવારથી જ સ્વાદના રસિયાઓ ફાફડા-જલેબીની ખરીદી માટે સ્ટોલ ઉપર લાઈન લગાવી દેશે અને ફરસાણ ખરીદવા માટેની ભીડ જોવા મળશે. દર વર્ષે વિજયાદશમીના દિવસે ડીસા શહેરમાં ૧૦૦ થી વધુ ફાફડા-જલેબીના સ્ટોલ લાગે છે. પરંતુ હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી આ સ્ટોલની સંખ્યા ઘટીને માત્ર ૪૦ થી ૫૦ જેટલી જ થઇ જશે. ગયા વર્ષે એક કિલો ફાફડાનો ભાવ રૂ. ૨૮૦ થી ૩૦૦ હતો. આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ રૂ. ૩૦૦ થી ૩૫૦ જેટલો રહેવાની સંભાવના છે. જોકે છેલ્લા પંદર દિવસથી તેલના ભાવો જે રીતે વધી રહ્યા છે. જેને લઇને ભાવમાં વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે ઘીની જલેબીના એક કિલોના ભાવ ગયા વર્ષે રૂ. ૩૨૦ હતા. જે આ વર્ષે રૂ. ૩૫૦ થી ૪૦૦ વચ્ચે રહેવાની સંભાવના ફરસાણના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. શહેરમાં આ વર્ષે ચાર હજાર કિલો ફાફડા અને ૨૦૦૦ થી ૨૫૦૦ કિલો જેટલી જલેબીનું વેચાણ થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આ બંને વસ્તુઓમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો તોળાઈ રહ્યો છે. આમ જલેબી અને ફાફડાનો વેપાર કુલ મળીને રૂ.૧૬ થી ૧૮ લાખનો થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાને લઈને નવરાત્રિ
પર્વના દિવસોમાં ગરબાની મંજૂરી મળી નથી. પરંતુ સ્વાદ અને તેની સોડમ ઉપર થોડી કંઈ પાબંધી છે. ફાફડાના સ્વાદ સાથે ઘીની બનાવેલી કેસર જલેબીની ડીસાવાસીઓ આજે મન ભરીને જ્યાફ્ત માણશે.

Download Our B K News Today App



Related News