આંખો પણ છીનવે છે કોરોના, કોરોનાથી શરીરમાં લોહીના ગઠ્ઠા બને છે જે હૃદય, કિડની, લિવર, આંખ અને હાથ-પગની આંગળીઓ પર અટેક કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:09:19
  • Views : 447
  • Modified Date : 2020-09-29 11:09:19

   રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાના જણાવ્યા અનુસાર, અમારી પાસે એવા ઘણા કેસ આવ્યા છે, જેમાં કોરોના વાઈરસના ચેપ પછી સ્વસ્થ થયેલા દર્દીઓને દેખાવાનું પૂરેપૂરું બંધ થઈ ગયું હોય અથવા તેમની આંખોની રોશની 50 ટકાથી વધુ જતી રહી હોય. કોરોના સાથે જોડાયેલું આ અત્યંત ચોંકાવનારું તથ્ય હતું. સૌથી પહેલા જૂનમાં આવા કેસ અમારી પાસે આવ્યા હતા. જોકે આ સમયે કોરોના સાથે તેનો કો-રિલેશન સ્પષ્ટ થઈ શક્યો નહોતો, પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરાછાપરી આવ્યા, ત્યારે સમજાયું કે કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે. એ પછી અમારી ટીમે તેના પર રિસર્ચ શરૂ કર્યું.

યુકેની મેડિકલ જરનલમાં પણ આવો એક કેસ પ્રસિદ્ધ થયો છે. અમારી પાસે એવા 5 કેસ આવ્યા હતા, જેમાં બધા જ દર્દીની રેટિનાની લોહી લઈ જતી વાળ જેટલી પાતળી નળીમાં બ્લડ ક્લોટ ફસાયા હતા. આ બ્લડ ક્લોટ જ્યારે ધમનીઓમાં જાય છે ત્યારે દેખાવાનું બંધ થઈ જાય છે, એ જ રીતે ક્લોટ શીરામાં જાય તો આંખોની રોશની ઓછી થઈ જાય છે. આંખની એન્જિયોગ્રાફી, ઓટોફ્લોરોસન્સ અને રેટિનાના ફોટામાં લોહીના ગઠ્ઠા સ્પષ્ટ દેખાય છે. અમારી પાસે જે 5 કેસ આવ્યા હતા, તે દર્દીઓ 32થી 70 વર્ષની વય વચ્ચેના હતા. આ ઉપરાંત અન્ય 7 એવા પણ કેસ આવ્યા હતા જે કોરોનાગ્રસ્ત હોવાનું કહેતા નથી, પરંતુ તેમની આંખોમાં પણ આ જ સમસ્યા ઝડપથી વધતી નજરે ચડી.

આ દર્દીઓનું કહેવું છે કે આ પહેલાં તેમને આંખ સંબંધિત કોઈ બીમારી ન હતી અર્થાત કોરોનાના સંક્રમણ પછી જ તેમની આંખો પર અસર થઈ હતી. આ 7માંથી 5 દર્દીએ હોમ આઈસોલેશનમાં સારવાર લીધી હતી, જ્યારે 2 દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોમ આઈસોલેશનમાં દર્દી હોય ત્યારે કેટલાક સંજોગોમાં મોડી સારવાર પણ થતી હોય છે. આ ઉપરાંત દર્દીની સારવાર દરમિયાન કે પછી સાજા થઈ ગયા પછી કોઈ પ્રકારનો બ્લડ રિપોર્ટ કરવામાં આવતા નથી. માટે લોહી પાતળું કરવાની સારવાર પણ નથી થતી. મહારાષ્ટ્રના નાગપુર સહિત અન્ય રાજ્યોના 9 દર્દીમાં પણ આવાં લક્ષણ જોવા મળ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમારો આ રિપોર્ટ ઈન્ડિયન મેડિકલ જરનલમાં પણ પ્રકાશિત થવાનો છે.

Download Our B K News Today App



Related News