ઘરે લગ્ન ગીતો ગવાતાં હતાં અને ફોન આવ્યો, પીઠી ચોળેલાં કપડાંમાં જ પારડીના યુવકે સ્મશાન પહોંચી 3 મૃતદેહને અગ્નિદાહ આપ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 13:39:02
  • Views : 619
  • Modified Date : 2021-04-30 13:39:02

    કોરોનાકાળ દરમિયાન દરરોજ આપણને ઘણા કરુણ અને હૃદયસ્પર્શી કિસ્સાઓ વાંચવા અને સાંભળવા મળી રહ્યા છે. એવા કિસ્સાઓ પણ આપણી સમક્ષ આવે છે જેમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકોએ પરિવાર અને પ્રસંગ પહેલાં પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હોય. વલસાડના પારડીમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે, જેમાં સ્માશનમાં કોઇ કારણવશ ટેક્નિકલ ખામી સર્જાતાં પારડીના યુવકને ફોન કરાયો હતો. ફોન આવ્યો ત્યારે તેના ઘરમાં લગ્નનાં ગીતો ગવાતાં હતાં અને તેની પીઠી ચોળાઈ રહી હતી. યુવક પીઠી ચોળેલાં કપડાંમાં જ સ્મશાનધામ પહોંચ્યો હતો અને 3 મૃતદેહોને અગ્નિદાહ આપ્યા હતા.

    વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા સ્મશાનગૃહમાં ગૌરવભાઈ કમલેશભાઈ નામનો યુવક સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરે છે. મંગળવારે ગૌરવભાઈના લગ્ન હતા, એ વખતે તેમના ઘરે લગ્નનો મંડપ બંધાયો હતો અને ઘરે લગ્નનાં ગીતો ગવાઈ રહ્યાં હતાં. પરિવારજનો ઉત્સાહમાં હતા એ વખતે જ તેમના લગ્નના દિવસે જ સ્મશાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આથી સ્મશાનગૃહના સંચાલકોએ ગૌરવભાઈને જાણ કરતાં તાત્કાલિક પીઠી ચોળેલાં કપડાંમાં જ તેઓ સ્મશાન પહોંચ્યા હતા. ટેક્નિકલ પ્રોબ્લેમને સોલ્વ કર્યા બાદ પણ અડધો કલાક સુધી સ્મશાનમાં રોકાઇને ત્રણ મૃતદેહને અગ્નિદાહ પણ આપ્યો હતો.

    પોતાના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં આવી મૃતદેહોને અગ્નિદાહ આપી પોતાની ફરજ અને આ આફતના સમયમાં હર સંભવ મદદરૂપ થવા માટેના પ્રયાસ કર્યા હતા. અન્ય લોકોને પણ પોતાની ફરજ નિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ, આ સ્મશાનના નાના કર્મચારીએ લગ્નના દિવસે પણ બજાવેલી પોતાની ફરજ નિષ્ઠાને સ્મશાનગૃહના સંચાલકોની સાથે લોકોએ પણ બિરદાવી હતી.


Download Our B K News Today App



Related News