કોરોનાકાળમાં પણ દારૂની દુકાનો ચાલુ, માત્ર 4 મહિનામાં જ સુરતીઓએ 3.77 લાખ લિટર દારૂ પીધો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 12:53:41
  • Views : 483
  • Modified Date : 2021-05-08 12:53:41

    કોરોનાના સંક્રમણમાં પણ સુરતીઓનો દારૂ પ્રેમ ઓછો થયો નથી.આની સાબિતી હેલ્થ પરમિટ પર છેલ્લાં 4 મહિનામાં શહેરની 5 વાઇનશોપ પરથી દારૂના થયેલા વેચાણ પરથી મળી આવે છે. આબકારી વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ જાન્યુઆરીમાં 80 હજાર લિટર દારૂ પરમિટ પર મેળવાયો હતો. તે ફેબ્રુઆરીમાં વધીને 95 હજાર લિટર થયો. સંક્રમણકાળમાં વધારો થતાં દારૂના ઉપયોગમાં પણ વધારો થયો હતો. જેમાં માર્ચમાં આ આંકડો એક લાખ લિટરને વટાવી ગયો હતો તો એપ્રિલમાં 1,02,000 લિટર દારૂનો ઉપયોગ થયો હતો.

    આમ છેલ્લાં 4 મહિનામાં સુરતીઓ હેલ્થ પરમિટ થકી મેળવેલો 3.77 લાખ લિટર દારૂ પી ગયા હતા. હાલમાં જ્યાં શહેરમાં રાજમાર્ગની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી ત્યાં લાલગેટ પર હેલ્થ પરમિટવાળી વાઇન શોપ ખુલી જોવા મળી હતી. આ વાઇનશોપ પર દારૂ માટે પરમિટધારકોની લાંબી લાઇનો લાગી હતી. રાજમાર્ગની વાઇનશોપ સિવાય પણ વરાછા, રેલવે સ્ટેશન, અઠવા અને ડુમસની હોટલમાં પણ વાઇન મેળવવા હેલ્થ પરમિટધારકોએ લાઇનો લગાવી હતી. આટલું જ નહીં દારૂ મેળવવા માટે હજુ પણ એક હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ માટે આપેલી અરજીઓ પેન્ડિંગ છે.

    સરકારે વર્ષ 2018માં નવી પરમિટ આપવાની બંધ કરી દીધી હતી. બાદમાં નવાં નિયમો સાથે હેલ્થ પરમિટ આપવાનું શરૂ કર્યું હતું. સુરતમાં પરમિટની માંગમાં વધારો થયો છે. જોકે, કોવિડથી મેડિકલ બોર્ડ, સિવિલમાં ઘણી અરજીઓનો નિકાલ પેન્ડિંગ હોવાથી કામગીરી ખોરંભે પડી છે. તેવામાં ગત ચાર મહિનામાં જ નવી 200 પરમીટનો વધારો થયો છે. એટલું જ નહીં વધુ 1 હજાર અરજીઓ પેન્ડિંગ હોવાનું નશાબંધી અને આબકારી વિભાગે જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News