ઉનાળા પહેલાં જ આણંદનું લોટેશ્વર તળાવ સૂકાયું, વનસ્પતિ ઉગી નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-18 18:36:29
  • Views : 47
  • Modified Date : 2025-02-18 18:36:29

આણંદના લોટેશ્વર તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકા દ્વારા નવેમ્બર મહિનામાં રૂ..૯૨ કરોડના કામની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, તળાવમાંથી વરસાદી પાણી સુકાઈ જતાં ઉનાળા પહેલા જ તળાવ સુકુભઠ્ઠ થયું છે. નવું પાણી ભરવા માટે બોરની વ્યવસ્થા ન હોવાથી તળાવ સુકાઈ જતાં તેમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. ત્યારે તળાવમાં સત્વરે ચોખ્ખુ પાણી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  

આણંદ નગરપાલિકા દ્વારા તા.૨૭ નવેમ્બરના રોજ યોજવામાં આવેલી સામાન્ય સભામાં લોટેશ્વર તળાવના બ્યુટીફીકેશન માટે રૂ..૯૨ કરોડ તથા તળાવમાં મીની હાઈમાસ્ટ પોલ નાખવા માટે રૂ.૧૫ લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ ગઈ હતી. જોકે, ઉનાળાની શરૂઆત પહેલા જ લોટેશ્વર તળાવમાં પાણી સુકાઈ જતાં તળિયું દેખાઈ રહ્યું છે. તેમજ તળાવમાં જંગલી વનસ્પતિ અને ઘાસ ઉગી નીકળ્યા છે. દર વર્ષે તળાવના બ્યુટીફીકેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને નેતાઓ ખાતમુહૂર્ત પણ કરે છે પરંતુ તળાવમાં પાણી ભરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઉનાળાની શરૂઆતથી જ તળાવ સુકાઈ જતું હોવાના આક્ષેપ શહેરીજનોએ લગાવ્યાં હતાં. તળાવમાં વરસાદી પાણી સુકાઈ ગયા બાદ ચોખ્ખુ પાણી ભરી, સહેલગાહનું સ્થળ બનાવવા તથા બોટિંગની સુવિધાઓ શરૂ કરવા શહેરીજનોએ માંગ કરી છે. આ અંગે મનપાના મુખ્ય ઈજનેર પીનલ સાંગાણીએ જણાવ્યું હતું કે, તળાવમાં વરસાદી પાણીના સંગ્રહ માટે નીક મૂકવામાં આવી છે. જેના થકી તળાવમાં પાણીનો સંગ્રહ થાય છે. નવું પાણી ભરવા માટે બોરનું આયોજન કરવામાં આવ્યું નથી. જેથી વરસાદી પાણી સુકાઈ જતાં તળાવ સૂકું થઈ જાય છે. 

Download Our B K News Today App



Related News