યુનિવર્સિટી-માર્ગ-પર-ઇકો-કારમાં-આગ-લાગતા-અફરાતફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 12:27:23
  • Views : 694
  • Modified Date : 2019-05-02 12:27:23

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ત્યારે ઉનાળાની બળબળતી ગરમીમાં વાહનોમાં આગ લાગવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે બુધવારની સવારે પાટણ યુનિવર્સિટી રોડ પરથી પસાર થઇ રહેલી ગેસકીટ વાળી ઈકો કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામના ત્રણ શખ્સો પોતાની ઈકો ગાડી નંબર જીજે ૨૪ એ એ ૬૬૮૪ લઈને કોઈ કામ અર્થે પાટણ આવ્યા હતા ત્યારે સવારના ૧૧ કલાકના સુમારે તેઓ પોતાની કાર લઇને યુનિવર્સિટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અગમ્ય કારણોસર કારના બોનેટના ભાગેથી આગની જ્વાળાઓ દેખાતા કારમાં બેઠેલા ત્રણેય શખ્સોએ સમયસૂચકતા
વાપરીને ગાડીને રોડસાઈડ ઊભી રાખી ફટાફટ ગાડીમાંથી ઉતરી ગયા હતા. યુનિવર્સિટી માર્ગ પર ઈકો ગાડીમાં આગ લાગવાની ઘટનાને પગલે  અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જોકે આ બાબતે પાલિકાના ફાયર ફાયટરને જાણ કરાતા તાબડતોબ તેઓએ ઘટના સ્થળે આવી ઇકો કારમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. તો માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે  પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. યુનિવર્સિટી માર્ગ પર કારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News