લોદરા ગામે કોંગ્રેસ દ્વારા ઇવીએમનું બેસણું યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-06 11:11:20
  • Views : 266
  • Modified Date : 2021-03-06 11:11:20

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો
પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે કારમો પરાજય સહન કરવો પડ્યો છે ત્યારે આજે તાલુકાના લોદરા ગામે કોંગ્રેસની હાર માટે ઇવીએમ મશીનને કારણભૂત માની તેનું બેસણું યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓએ દેખાવો કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાની ૨૬ બેઠકો અને જિલ્લા પંચાયતની સાત બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો
પર ભાજપે કબજાે કર્યો છે અને તાલુકાની ૨૬ બેઠકો પૈકી ૧૯ બેઠક અને જિલ્લાની સાત પૈકી પાંચ બેઠક પર ભાજપનો ઝળહળતો વિજય મેળવ્યો હતો. તો ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૭ બેઠકો મેળવી હતી અને જિલ્લા પંચાયતને તમામ છ બેઠકો પર વિજય મેળવ્યો હતો પરંતુ આ વખતે તમામ બેઠકો પર પરિણામ ચોંકાવનારા આવતા કોંગ્રેસે પોતાની હાર માટે ઇવીએમ મશીનને જવાબદાર માની મશીનમાં ગોટાળાના આક્ષેપ સાથે આજે તાલુકાના લોદરા ગામે ઇવીએમ મશીન નું બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરવતસિંહ ચાવડા, લોદરા બેઠકના ઉમેદવાર કાળુસિંહ રાઠોડ, યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલ સહિત કાર્યકરો અને
ટેકેદારોએ ઇવીએમ મશીનનું બેનર ગામના ચોકમાં લટકાવી ખરખરો કર્યો હતો તો મહિલાઓએ મશીન ના છાજીયા લઇ ઉગ્ર દેખાવો કર્યા હતા અને આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવામાં આવે તેવી માંગ કરી હતી. તો કોંગ્રેસના આ કાર્યક્રમ બાદ હાર માટેનું મનોમંથન અને ચોક્કસ કારણો શોધવાના બદલે ઇવીએમમાં ગોટાળાનો આક્ષેપ કરનાર કોંગ્રેસના આગેવાનોનું વલણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

Download Our B K News Today App



Related News