પાલનપુરમાં પ્રથમ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ૧૮ વાહનચાલકોને ઇ-મેમો ફટકારાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:14:51
  • Views : 884
  • Modified Date : 2019-07-03 11:14:51

પાલનપુર શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર કાર્યક્રમ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  કાર્યવાહીના પ્રથમ દિવસે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ૧૮ વાહનચાલકોને
ઇ-મેમો ફટકારવામાં આવ્યો હતો.
પાલનપુરમાં સેફ એન્ડ સિકયોર કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થોડાંક સમય અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૪૭ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા થકી હવે ઇ- મેમો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી આર. કે. પટેલે જણાવ્યું હતુ કે, શહેરમાં દિવસેને દિવસે વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવામાં સરળતા રહે તેમજ ટ્રાફિકનું નિયમન થાય તે હેતુસર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પાલનપુર શહેરના મુખ્ય વિસ્તારોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. શહેરના મહત્તમ મુખ્ય વિસ્તારો  પર ૧૪૭ અત્યાધુનિક હાઇ રિઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા લગાવાયા છે. જે સીસીટીવી કેમેરાઓ થકી શહેરમાં બનેલા કંટ્રોલ રૂમમાં એક જ જગ્યાએ ૧૩૫ જેટલા પોલીસકર્મીઓ ૩૬ એલઇડી સ્ક્રીન દ્વારા ૨૪ કલાક શહેર પર બાઝ નજર રાખી રહ્યા છે. દરમિયાન સીસીટીવી કેમેરા દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  કાર્યવાહીના પ્રથમ દિવસે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફેન્સી નંબર પ્લેટ, ત્રિપલ બાઇક સવારી, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, કરનારા ૧૮ વાહન ચાલકોને ઇ- મેમો આપવામાં આવ્યો છે. આ ઇ-મેમો વાહન ચાલકના ઘરે પહોંચશે. નોડલ અધિકારી તરીકે જિલ્લા ટ્રાફિક અધિકારી જ્યારે લાયજન અધિકારી તરીકે પાલનપુર- ડીસા સીટી ટ્રાફિક પીએસઆઇની નિમણુંક કરવામાં આવી છે. દંડ માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીએસઆઇની નિમણુંક કરવામાં આવી છે. આ સીસ્ટમ કાર્યરત થતાં હવે ટ્રાફિકની કાર્યવાહી વિસ્તૃત થઇ જશે. પહેલાં વ્યકિતગત કામગીરી થતી હતી. તે હવે સીસીટીવીના કારણે એકથી વધુ સંખ્યામાં થશે.

Download Our B K News Today App



Related News