કાંકરેજના અધગામ ખાતે અનોખી રીતે ઉજવવામાં આવે છે દશેરાનું પર્વ જુઓ અમારો વિશેષ અહેવાલ .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-17 11:24:14
  • Views : 236
  • Modified Date : 2021-10-17 11:24:14

કાંકરેજ તાલુકાનું અધગામ ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રાચીન ગામ છે.મૂળ ગામ "મોતીસરીયા" હતું કે જે દેવ દરબાર અને કુડવા ગામની ગોદમાં આવેલું હતું.ગીચ ઝાડીમાં મોતીસરીયા હનુમાનની મૂર્તિ હતી.જેની પ્રાચીન સમયથી પૂજા થતી.લૂંટારૂઓના ભયને કારણે સ્થળાંતર થઈ અઘગામા જ્ઞાતિના ઠાકોરે થરા સ્ટેટના દરબારના તાંબા નીચે થરા અને ચાંગાની વચ્ચે વસાવ્યુ હોવાથી તેનું નામ "અધગામ" પડયુ.ગામના વસવાટ બાદ મોતીસરીયા હનુમાનજીની મૂર્તિને ગામમાં લાવવા માટે બળદગાડા દ્વારા ખૂબ જ મહેનત કરી પરંતુ ત્યાંથી મૂર્તિ હટી નહિ તે સમયે દશેરાએ આખું ગામ મળી બાકળા એટલે કે ચોળા-ઘઉંની ધુધરી અને રોટલી ઓ ચડાવે છે.આખા ગામે સંવંત ૨૦૪૦ ના ફાગણ સુદ ૭ ને શનિવારના રોજ મોતિસરીયા હનુમાનની પ્રાણપ્રતિષ્ઠા ભવ્ય રીતે કરી. અત્યારે થરા-દિયોદર રોડ પર મૈડકોલ અને વિભાનેસડા વચ્ચે રોડથી અડધો કી.મી.અંદરના ભાગે પવનપુત્ર હનુમાનજીનુ મંદિર દર્શનીય છે..૨૬ વર્ષ પૂર્વે અધગામથી કેટલાક કુટુંબોએ ત્યાં વસવાટ કર્યો અને મૂળ પ્રાચીન ગામની જાણે કે પ્રતીતિ થતી હોય તેમ આ ગામનુ નામ"મોતીસરીયા" આપવામાં આવ્યુ.મોતીસરીયા હનુમાનજીની પડખે ઢુલા નીચે જોગણી માતાનું સ્થાનક છે. દશેરાની રાત્રે પરંપરા અનુસાર જોગમૈયાનો રથ નીકળે છે.જેને "કુકવાળું" કહેવામાં આવે છે. કુકવાળુ એટલે કજિયા-કંકાસ - કામ- ક્રોધ-લોભ-મોહ-મદ- મત્સરરૂપી માણસના આંતરિક ષડરિપુઓ પર આ દિવસે વિજય મેળવવામાં આવે છે.રાત્રે આખુ ગામ નાત-જાતના ભેદભાવ વગર ગામના ગોંદરે ચોકમાં ભેગું થાય છે.પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે આસોસુદ-૧૦  ના રાત્રે અંબાજી માતાના મંદિરના પૂજારી વસરામભાઈ બાપજી રથ નો સામાન નવઘરૂં, સુતર,શ્રીફળ, દૂધધારા વિગેરે લાવે છે. અને આ રથને અઘગામા જ્ઞાતિના ઠાકોર પરીવારનું કોઈ એક પ્રતિનિધિ ખેંચે છે.જે ઢોલ અને ડાકલાના તાલે લાંબા સમય સુધી ધુણે છે. ગામના લોકો હાકોટા- કિકિયારીઓ થી તેને પોરસ શુરાતન ચઢાવે છે.અને રથને ખેંચી ગામના પાદરે બિરાજમાન અંબાજી માતાના મંદિર લવાય છે.જયાં ગામના વડીલ ઘર ગણાતાં શિવાભાઈ રૂગનાથભાઈ પટેલના બાકળા નૈવેધ રૂપે ચઢાવાય છે.ત્યારબાદ રથ ગામના ઝાંપાથી આખા ગામની ફરતે પ્રદક્ષિણા કરી સુતરનો દોરો બાંધી દુધની ધારા કરવામાં આવે છે.આ ઉત્સવની પાછળ એવી માન્યતા છે કે ગામને ભૂત-પિશાચ વગેરે અનિષ્ટોથી રક્ષણ મળે છે.ગામના કુવાથી આશરે બે-અઢીકિલોમીટર દૂર મોતીસરીયા હનુમાન મંદિર ખાતે રથને લઈ જવામાં આવે છે. જેની પાછળ પાછળ સૂંડલામાં (ટોપલા) બાકળા લઈને અબાલ વૃદ્ધ સૌ કોઇ જાય છે.ત્યાં મોતીસરીયા હનુમાનજીને બાકળા નૈવેધ ચઢાવી ગામની એકતા માટે પ્રાર્થના કરી"કુકવાળુ" કાઢી અનોખી શાંતિનો અહેસાસ કરે છે."કુકવાળા" દ્વારા એકતાની ભાવના દ્રષ્ટિગત થાય છે.કાંકરેજ તાલુકામાં માત્ર અધગામમાં દશેરાએ નીકળતું "કુકવાળુ" એ ગામની પવિત્રતાનો, સદભાવનાનો અને સામુહિક શક્તિ-આરાધનાને મુર્તિમંત કરતો એકતાનો અનોખો ઉત્સવ છે.સાંસ્કૃતિક પરિવર્તનના પવનમાં ભલે પ્રાચીન ગરબીએ દાંડિયા-રાસનું સ્થાન લીધું હોય, પરંતુ દશેરાની રાત્રે તો અધગામમાં આંટીથી રમાતી પ્રાચીન ગરબીનું સ્થાન આજે પણ અકબંધ છે. અંતમાં દેવી શક્તિની કૃપા ગામ પર નિરંતર ટકી રહે તે માટે આધશક્તિને આરાધના કરીએ છીએ.

Download Our B K News Today App



Related News