રૂ.100ના ઝઘડામાં મોત મીઠું કર્યું : રાજકોટમાં પતિએ પત્નીને દસ્તાના ઘા ઝીંક્યા, પસ્તાવો થતા પતિએ ગળેફાંસો ખાધો, 4 સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 17:54:17
  • Views : 236
  • Modified Date : 2021-07-08 17:54:17

     રાજકોટ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા કોળી દંપતી વચ્ચે ઝઘડો થતાં રાત્રિનાં સમયે વાસણ સાફ કરતી પત્નીને પતિએ દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પસ્તાવો થતા વહેલી સવારે પતિએ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી. આ મામલે ઘવાયેલી પત્નીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો છે. સમગ્ર મામલે બી-ડીવીઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

     બનાવની પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર શાકમાર્કેટ નજીક શેરી નં.17માં રહેતા સરોજબેન હરીભાઇ સીતાપરા (ઉ.વ.40) પોતાના ઘરે રાત્રિનાં સમયે વાસણ સાફ કરતા હતા ત્યારે તેમના પતિએ દસ્તાના આડેધડ ઘા ઝીંકી દેતા તેમને ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. જેમાં પતિ પત્ની સરોજ પાસેથી રૂા.100 માંગતો હતો. આથી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. જેથી હરીભાઇએ ઉશ્કેરાયને પત્નીને દસ્તાના ઘા ઝીંક્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ ખોટી એન્ટ્રી પડાવી કે પત્ની પગથીયા પરથી પડી ગઇ છે.ત્યારબાદ પતિ હરીભાઇને પસ્તાવો થતાં વહેલી સવારે પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હરિભાઇ અને તેમને પત્ની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો થતો રહેતો હતો. તેઓ છકડો રીક્ષા ચલાવી દાણાપીઠમાં મજૂરી કામ કરતા હતા. સંતાનમાં બે દિકરા બે દીકરી છે.
    
     આજે સવારે તેમનો પુત્ર જયદીપ બાથરૂમ કરવા ઉઠતાં બારીમાંથી જોતા પિતા હરીભાઇ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં. તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ નિકોલા અને રાઇટર રાજાભાઇ ગઢવીએ કાગળો કરી કાર્યવાહી કરી હતી.હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સરોજબેને જણાવ્યું હતું કે, હું વાસણ સાફ કરતી હતી ત્યારે મારા પતિ આવ્યા હતા. બાદમાં ઉશ્કેરાયને મને મારવા લાગતા હું બેભાન થઈ ગઇ હતી. મારી પાસે તે પૈસા માગતા હતા. આથી મને કહ્યું કે પૈસા આપ. આથી મેં કહ્યું કે હું થોડી કામે જાઉં છું, મારી પાસે પૈસા થોડા હોય. મારી પાસે 100 રૂપિયા માગતા હતા. પહેલા દારૂ પીતા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી દારૂ નહોતા પીતા. ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી દારૂ પીતા હતા. કામા પણ જાતા નહોતા. પાંચ હજારનું કામ કરતા હતા. પાંચ હજાર પુરા ન થાય ત્યાં સુધી દારૂ પીતા હતા.

Download Our B K News Today App



Related News