ગોકુળપુરા રોડ પરથી ગાયોનો ત્રાસ દૂર નહીં કરાય તો આંદોલન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 12:05:52
  • Views : 300
  • Modified Date : 2020-09-17 12:05:52

ગાંધીનગરમાં ખાસ કરીને ક માર્ગ પર ગોકુળપુરા ખાતે ગાયોનો અડીંગો વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહયો છે.  દર વર્ષે ચોમાસા તેની સામે અનેક રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા ઉપેક્ષા કરવામાં આવતાં આસપાસના વિસ્તારના રહીશોમાં આક્રોશની લાગણી ફેલાવા પામી છે.  આ સ્થળે છેલ્લાં એક અઠવાડિયામાં અકસ્માતના બનેલા બે બનાવોથી ગયા વર્ષે બે યુવતીઓએ અકસ્માતમાં
પોતાના જીવ ગુમાવ્યાનું લોકો યાદ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ગઇકાલે સાંજે બનેલા એક બનાવમાં ક માર્ગ પરથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલી એક યુવતી સામે ગાયોના ટોળામાં ઉભેલો એક આખલો અચાનક દોડયો હતો. જેના કારણે યુવતી અચાનક બ્રેક મારી રોડની નીચે ઉતરી જતાં તે અકસ્માતનો ભોગ બનતાં માંડ માંડ બચી હતી. અહીં ગાયોના ત્રાસનાં કારણે ટૂ વ્હીલર સ્લીપ થઈ જવા સાથે અકસ્માતનાં બનાવો અનેકવાર બની રહ્યા છે. આ માર્ગ પર જીઆઇડીસીના હેવી લોડિંગ ટ્રાફિકની મોટી અવર જવર હોવાથી રોડ પર બેસેલી ગાયોના ટોળાને કારણે વારંવાર ટ્રાફિક જામ થવાનો પ્રશ્ન સર્જાય છે. ગત વર્ષે આ માર્ગ પર એક શિક્ષિકા અને એક યુવતી હેવી લોડિંગ વ્હિકલ સાથે અકસ્માતનો ભોગ બની
પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
આ ગોકુળપુરામાં મોટી સંખ્યામાં માલધારી પશુપાલકો વસવાટ કરતાં હોવાથી રખડતી ગાયોનો પ્રશ્ન સૌથી વધુ જોવા મળે છે. પરંતું અહીંના નાગરિકો તથા વાહન ચાલકો માટે  ગાયોનો અડીંગો અત્યંત જોખમી સાબિત થઈ રહયો હોવાં છતાં સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સત્તાધીશોને આ ગંભીર બેદરકારી અત્યંત જોખમી સાબિત થઇ રહી છે.
અગાઉ વાવોલમાં વિવિધ પ્રશ્ને રચનાત્મક અભિગમથી કાર્ય કરતી વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા  જિલ્લા કલેક્ટર, મેયર તથા ગુડાના અધિકારી વગેરેને મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ક માર્ગ પરનો આ ગાયોનો પ્રશ્ન સત્વરે ઉકેલાય તેવું વાવોલ તથા ગોકુળપુરાની આસપાસના વસાહતીઓ ઇચ્છી રહ્યા છે નહીંતર નાગરિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન સહિતના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News