ધાનેરા પોલીસે રાજસ્થાન જતા ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્‌યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 11:27:29
  • Views : 489
  • Modified Date : 2019-11-17 11:27:29

બનાસ નદીની રેતી મોટા પ્રમાણમાં રાજસ્થાન જાય છે અને તે બાબતે ખાણ ખનીજ વિભાગ કોઇ કાર્યવાહી ન કરતાં લોકોમાં આક્રોસ હતો અને આ બાબતે પોલીસને જાણ કરતાં ધાનેરા પોલીસે રેતી ભરીને ચોર રસ્તે રાજસ્થાન તરફ જતા ચાર ડમ્પરોને ઝડપી લીધા હતા.
બનાસકાંઠાની રેતી જેને કાચા સોનાની ખાણ કહેવામાં આવે છે તેવી બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં રેતીની પણ તરસ્કરી થાય છે અને ક્વોરી માલિકો વગર રોયલ્ટીની ગાડીઓ બારોબાર રાત્રીના સમયે કઢાવતા હોય છે.  આ તમામ ગાડીઓ બારોબાર રાજસ્થાન જાય છે જે બાબતે અવારનવાર લોકોએ પણ ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં આ બાબતે કોઇ પગલાં લેવામાં આવતા નથી જેથી આ ધંધો ફુલ્યો ફાલ્યો છે. આ બાબતે જાગૃત લોકોએ ધાનેરા પોલીસને જાણ કરેલ કે રાત્રીના સમયે મોટા પ્રમાણમાં ડમ્પરો રેતી ભરીને રાજસ્થાન જાય છે જેથી ધાનેરા પોલીસ ઇસ્પેક્ટર જે.બી. ચૌધરી તથા તેમની ટીમે આવા ઓવરલોડ પસાર થતા ચાર ડમ્પરો ઝ્ડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ ક્વોરી માલિકો તેમજ અન્ય ડમ્પર માલિકોમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ઓવરલોડની કાર્યવાહી માટે આર.ટી.ઓ.ને જાણ કરાઇ છે. ધાનેરા પોલીસ ઇસ્પેક્ટર જે.બી. ચૌધરીએ જણાવેલ કે રસ્તામાં આ ડમ્પરો પસાર થતા હતા જેઓ ઓવરલોડ હતા અને સરકાર દ્વારા જે વધારાની ઓવરલોડની મંજૂરી આપવામાં આવી છે તેના કરતાં પણ વધારે ઓવરલોડ હોવાથી તેમને પકડીને ધાનેરા પોલીસ મથકે લવાયા છે. આ બાબતે થાવર આર.ટી.ઓ. ને જાણ કરવામાં આવી છે અને ખાણ ખનીજ વિભાગને પણ આ બાબતે રોયલ્ટીની ચકાસણીની જાણ કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News