ડીસામાં મંજૂરી વગરના શોપિંગ અને દુકાનોનો રાફડો ફાટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 11:24:01
  • Views : 1111
  • Modified Date : 2020-06-25 11:24:01

ડીસા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં જુના મકાનો લઈ તેને તોડી દુકાનો બનાવવાનો સીલસીલો જોવા મળે છે. ડીસા શહેરની લાલચાલીમાં આવા અનેક મકાનો તોડી મોટી મોટી દુકાનો અને ગોડાઉનો બનાવવામાં આવેલ છે. લાલચલી વિસ્તારમાં કિશોર ફૂટવેર વાળાએ જે મકાન તોડી શોપિંગ બનાવ્યું છે, તેમાં નકશા વિરૂધ્ધનું બાંધકામ તેમજ દબાણ પણ કરેલ છે. આ જ રીતે ડીસાના સિન્ધી કોલોનીના વિસ્તારમાં બનાસબેંકની પાછળ શરૂ કરીને પોસ્ટ ઓફિસ સુધીમાં પાંચથી વધુ મકાનો તોડી
શોપિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ તમામ શોપિંગો અને દુકાનો મકાનો તોડી નકશા વિરૂધ્ધ અને દબાણ કરી બનાવવામાં આવ્યા છે. આ દુકાનો કે શોપિંગમાં કોઈજ નિયમો જળવાયા નથી.
 ડીસા શહેરના વધી રહેલા વિકાસ સામે બહારના વિસ્તારોમાં પણ આવી જ પ્રવૃત્તિઓ જોવા મળે છે. ડીસાના વેલુનગર વિસ્તારમાં નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ માજીરાણાએ ખુબ લડત આપી છતાંય આ વિસ્તારમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનો રાફડો ફાટયો છે. તમામે તમામ શોપિંગમાં કોમર્શિયલ નિતીનિયમોને
પાળવામાં આવ્યા નથી. ડીસા શહેરની પીંક સીટી સામે પણ આવું જ એક શોપિંગ સેન્ટર નકશા વિરૂધ્ધના બાંધકામ અને દબાણ સાથે બની રહ્યુ છે. આ જ રીતે ડીસા એપીએમસી પાસે આવેલ પ્રિતમનગર અને નવી સોસાયટીઓની મુખ્ય રસ્તાઓ પરના ખાલી પ્લોટોમાં દુકાનો બની રહી છે. હિમાલીયા રેસિડેન્સીની પહેલાં દાંતીવાડા નહેરના વિવાદીત રસ્તા પર આવુ જ એક શોપિંગ સેન્ટર જેનું સંપૂર્ણ બાંધકામ નકશા વિરૂધ્ધનું છે. નકશા પાસ કરાવ્યા મુજબ બાંધકામ બનાવવાના બદલે દબાણ કરી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ જ વિવાદીત રસ્તા પર અનેક નાની મોટી દુકાનો અને શોપિંગો આકાર લઈ રહ્યા છે. બી.કે. ન્યૂઝ દૈનિક વિગતવાર એક પછી એક તમામ જગ્યાઓની વિગતો સાથે સમાચાર પ્રસિદ્ધ કરશે. અમારો ધ્યેય આ જગ્યાઓ જે ખરીદે તેનું ધ્યાન દોરવાનું કે જેથી કરીને એમના પૈસાનું ચીટિંગ થાય નહી. આ ઉપરાંત સરકારમાં દસ્તાવેજની, જંત્રીની અને ટેક્ષની ચોરી કરી ભૂમાફિયાઓ સરકારની તિજોરીને પણ ચૂનો ચોપડી રહ્યા છે. નગરપાલિકાને પણ આ ભૂમાફિયાઓ કોમર્શિયલ ફી ચુકવવાના બદલે મકાન બતાવી નગરપાલિકાનું પણ આર્થિક નુકસાન કરી રહી છે. આ બાબતે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને પૂછતા જણાવ્યું કે આ બાબતે તાત્કાલિક તપાસ કરી જે લોકોના બાંધકામ ચાલુ હશે તેમને અટકાવી
કાયદાકીય પગલાં ભરવામાં આવશે અને દબાણો હશે તો તોડી પાડવામાં આવશે.

Download Our B K News Today App



Related News