બનાસ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવમાં રૂ. ૧૫નો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 11:14:18
  • Views : 851
  • Modified Date : 2019-07-25 11:14:18

બનાસ ડેરી દ્વારા ડીસા નજીક દૂધ મંડળીઓના
ચેરમેન-મંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બનાસ ડેરીના નિયામક મંડળના  યુરોપ પ્રવાસ દરમ્યાન ખેતી-
પશુપાલન સબંધિત જે નવીન ટેકનોલોજી તથા વ્યવસ્થાપનની જાણકારી તેઓએ મેળવી હતી, તેનાથી સૌને અવગત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠામાં ૧૦ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષોનો ઉછેર કરવાના સંકલ્પ પર આગળ વધવા દૂધ મંડળીઓના ચેરમેન-મંત્રીઓ
પણ આ પુણ્યકાજના વાહક બને તે માટે ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાઓની
રૂપરેખાથી સૌને અવગત કરવામાં આવ્યા હતા.
પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નિયામક મંડળનાં વિદેશ પ્રવાસમાંથી મળેલી નવી માહિતી કે જેનું અમલીકરણ બનાસકાંઠામાં પણ શક્ય છે તેવી બાબતોથી સૌને અવગત કર્યા હતા. યુરોપના દેશોની આવી પ્રેરણાદાયી બાબતો આપણા જિલ્લાના અર્થતંત્રને વધુ બળ આપે તેવી હોઈ વૈશ્વિક પ્રવાહો અને દૂધના વ્યવસાયના ભવિષ્યને ધ્યાને લઇ આ નવીન વિચારોના અમલીકરણ બાબતે ભવિષ્યમાં સંગીન પ્રયાસો કરવામાં આવશે તેવું ચેરમેને ઉમેર્યુ હતું. વધુમાં ચેરમેન પશુઓની સંખ્યા વધારવાના સ્થાને પશુદીઠ દૂધ ઉત્પાદન વધે તે બાબત તરફ આપણે સૌએ ધ્યાન આપવું
પડશે તેમ જણાવ્યું હતું. દૂધનું ઉત્પાદન વધારવા જીનેટિક મોડિફિકેશન, વિદેશની સંસ્થાઓ સાથે જોડાણ, ટેકનોલોજી અપગ્રેડેશન, બીજદાન અને ઓછાપાણીના વપરાશથી પોષક ઘાસની ખેતી, ગોબર ગેસ પ્લાન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ્‌સમાં આગળ વધવા માટે પ્રવાસ દરમ્યાન થયેલી ચર્ચાઓ ફળદાયી નીવડશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.  વધુમાં યુરોપના દેશોના નાગરીકોનો સહજ નિરાભિમાની સ્વભાવ અને મોટી વયે પણ રાષ્ટ્રભાવ સાથે નાત-જાતના ભેદ વગર સતત
પરિશ્રમ કરવાનો ગુણ ખુબ પ્રેરણાદાયી હોવાનું ચેરમેને જણાવ્યું હતું. આ ઉપરાંત ચેરમેન શંકરભાઈ ચૌધરીએ
પશુપાલકોને આનંદના સમાચારઆપ્યા હતા, તેઓએ દૂધના ભાવમાં રૂ. ૧૫નો વધારો અહીં જાહેર કરતાં દૂધ મંડળીઓના ચેરમેન-મંત્રીઓએ હર્ષભેર તેને તાળીઓથી વધાવી લીધેલ. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધના અગ્રેસર ભાવ ચુકવતી બનાસ ડેરી દ્વારા હવે કિલોફેટ દીઠ ખેડૂતો-પશુપાલકોને ચુકવાતાં રૂ. ૬૩૫ થી વધારીને હવે રૂ. ૬૫૦ થયેલ છે.વધુમાં જિલ્લા અને આપણા બાળકોના ભવિષ્ય માટે ચેરમેને વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનો ઉછેર કરવા તથા તે થકી પણ ભવિષ્યમાં વધુ આવક મેળવવાનું દિશાસૂચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો, ડેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં દૂધ મંડળીઓના ચેરમેન-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News