સહકારી આગેવાનોની ખેચતાણમાં દૂધ ઉત્પાદકો લટક્યા પેપળુ ગામની દૂધ મંડળીને બનાસડેરીએ તાળા માર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:12:05
  • Views : 899
  • Modified Date : 2020-09-02 12:12:05

ભીલડી નજીકના અને લાખણી તાલુકાના પેપળુ ગામની દૂધ મંડળીમાં ત્રણ દિવસથી દૂધ લેવાનું બંધ કરતાં પશુપાલકો આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા છે. એશિયામાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઇ છે. જેમાં પેપળુ દૂધ મંડળીમાં થયેલ ઠરાવ બદલવા મંત્રી પર દબાણ લાવવા છતાં મંત્રીએ મચક ન આપતાં બનાસ ડેરી દ્વારા રાજકીય દ્વેષભાવ રાખી દૂધ મંડળી બંધ કરી દેતા
પશુપાલકોએ ભારે હોબાળો મચાવતા વિરોધ દર્શાવી દૂધ મંડળીને ચાલુ કરાવવા માંગ કરી રહ્યા છે.
ચાલુ વર્ષે યોજાનાર બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે ભાજપના જ કેટલાંક મોટા ગજાના નેતાઓ અને આગેવાનોએ
બાંયો ચઢાવી દીધી છે. જેથી બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીઓના હોદ્દેદારોને યેનકેન પ્રકારે દબાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં પેપળુ ગામમાં લાખણી માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઇ પાનકુટાનો પેપળુ દૂધ મંડળીમાં થયેલ ઠરાવ રદ કરાવવા માટે દૂધ મંડળીના મંત્રી રમેશભાઇ દેસાઇ પર ભારે દબાણ ઉભું કરવા છતાં મંત્રી તાબે ન થતા શનિવાર સાંજથી બનાસ ડેરી દ્વારા મૌખિક સુચના આપી
પેપળુ દૂધ ડેરી બંધ કરવામાં આવી છે. આ અંગે ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ફીરોઝખાન બાબીએ જણાવ્યું હતું કે "પેપળુ દૂધ મંડળી બંધ કરવા અંગે પશુપાલકોને ચૂંટણીની ટેલીફોનિક રજૂઆત મળી છે. ચૂંટણી આચારસંહિતા ચાલુ હોઇ આવી રીતે મંડળીઓ પર દબાણ લાવી બંધ કરી શકાય નહી. પરંતુ અત્યારે તો સહકારી આગેવાનોની ખેંચતાણમાં પશુપાલકોનો મરો થયો છે. કોરોના મહામારીમાં દૂધનો વ્યવસાય એકમાત્ર આવકનું સાધન છે. ઉપરાંત ચોમાસાની ઋતુમાં ગામની ડેરી જ બંધ થઈ જતા દૂધ ભરવા જાઉં તો ક્યાં જવું જેવી
પરિસ્થિતિ ઉદભવતા દૂધ
ઉત્પાદકોની હાલત પણ કફોડી બની છે.

Download Our B K News Today App



Related News