ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો દ્વિતીય દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-20 12:11:54
  • Views : 441
  • Modified Date : 2019-12-20 12:11:54

વિશ્વભરમાં વસતા પાટીદારોના આસ્થાના કેન્દ્ર ઉમિયા ધામ ઉંઝા ખાતે આયોજીત લક્ષચંડી મહાયજ્ઞના દ્વિતીય દિવસે રાજકીય મહાનુભાવોએ યજ્ઞદર્શન કર્યા હતા. સાંસદ મોહનભાઈ કુંડારીયા, મંત્રી દિલીપકુમાર ઠાકોર, મંત્રી જયંતિભાઈ કવાડીયા, મંત્રી ગણપતભાઈ વસાવાએ
ઉપસ્થિત રહી મા ઉમિયાને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યુ હતુ. મહાનુભાવોએ મહાયજ્ઞના ભવ્ય આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા.
ઉમિયાનગર ખાતેની યજ્ઞશાળામાં દર્શન કરી ધન્યતા અનુભવતા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું કે, જ્ઞાન અને વિજ્ઞાનની આ સદીમાં લક્ષચંડી મહાયજ્ઞ ધર્મ અને આસ્થાને ઉજાગર કરે છે.
પાટીદાર સમાજના વડીલો દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન એ યજ્ઞ સાથે સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ છે. સમગ્ર ભારતમાં સામાજીક સમરસતાનો સંદેશ આ મહાયજ્ઞ દ્વારા ફેલાયો છે. ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા રૂ.૦૯ કરોડનું યોગદાન મહાયજ્ઞમાં
આહુતિ સમાન છે.
મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે, ભારતવર્ષમાં ક્યારેય ન થયું હોય તેવું સર્વ સમાજને સાથે લઈ પાટીદાર સમાજ દ્વારા મહાયજ્ઞનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ મહોત્સવનું સુંદર અને સુચારૂ આયોજન સાથે સ્વયંસેવકોનું યોગદાન પણ સરાહનીય છે. ભક્તિના માહોલ સાથે વિવિધ વિષયોના પેવેલીયન્સમાં જ્ઞાન-વિજ્ઞાનના પ્રદર્શન, કૃષિલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અને આરોગ્યની સેવાઓ સમાજ ઉપયોગી નિવડશે. મહાયજ્ઞના દ્વિતીય દિવસે ઉમિયાનગર ખાતે નિર્મિત યજ્ઞાશાળાના ભક્તિમય માહોલ વચ્ચે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત દરમ્યાન ઉમિયા માતાજી સંસ્થાનના
ટ્રસ્ટીઓ, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ – અધિકારીઓ અને માં ઉમિયાના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News