આણંદમાંથી ડ્રગ્સ ફેકટરીનો પર્દાફાશ : 100 કરોડનો જથ્થો જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-01-24 17:38:25
  • Views : 52
  • Modified Date : 2025-01-24 17:38:25

અમદાવાદ,તા.24

ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ હોય તેમ આજે વધુ એક વખત 100 કરોડની કિંમતનાં કેફી પદાર્થો સાથે ફેકટરીનો પર્દાફાશ થયો હતો.ગુજરાત એટીએસ દ્વારા આણંદમાં ડ્રગ્સ ફેકટરી પર દરોડો પાડીને 100 કરોડના કેફી દ્રવ્યો સાથે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી ગત વર્ષે 7300 કરોડથી વધુનુ ડ્રગ્સ પકડાયું હતું પરંતુ તે મોટાભાગે પંજાબનાં માર્ગે જતુ હોવાનો દાવો કરવામાં આવતો હતો પરંતુ હવે રાજયમાંથી ડ્રગ્સ ઉત્પાદનની ફેકટરીનો પર્દાફાશ થયો છે.ગુજરાત એટીએસ દ્વારા 18 કલાકના ઓપરેશન બાદ ફેકટરી તથા ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આણંદનાં ખંભાતની સોખડા જીઆઈડીસીમાં એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમીકલ બનાવતી કંપનીમાં ડ્રગ્સનુ ઉત્પાદન થતુ હોવાની બાતમીનાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

ગુજરાત એટીએસનાં ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ (ડીઆઈજી) સુનિલ જોષીએ કહ્યું કે દરોડા દરમ્યાન કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. જોકે વધુ વિગતો આપી નથી. પરંતુ માહીતગાર સુત્રોએ કહ્યું કે પકડાયેલી ડ્રગ્સની કિંમત 100 કરોડથી વધુની થવા જાય છે.

સુત્રોએ ઉમેર્યુ કે આલ્ફાગોરમ નામની દવાની ટેબ્લેટમાં ડ્રગ્સ માલુમ પડયુ હતું 100 કિલોથી વધુનો જથ્થો મળ્યો છે તેની કિંમત 100 કરોડથી વધુ થવા જાય છે.

પ્રાથમીક માહીતી પ્રમાણે ત્રણ મહિના પુર્વે જ ત્રણ ભાગીદારોએ કંપની શરૂ કરી હતી. અટકાયતમાં લેવાયેલા પાંચેય શખ્સોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની આશંકા છે.

ગુજરાતમાં વારંવાર મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતુ રહ્યું છે. ગત કેલેન્ડર વર્ષ 2024 માં 7300 થી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.સુરક્ષા એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત ડ્રગ્સનું ટ્રાન્ઝીટ પોઈન્ટ છે અને ડ્રગ્સ બીજા રાજયોમાં જ ઘુસાડવામાં આવતુ હોય છે.


Download Our B K News Today App



Related News